ગુજરાત સરકારનો નિર્ણય ૨૦૦૫ પહેલાંના કર્મીઓને મળશે જુની પેન્શન યોજનાનો લાભ
1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ રહેશે તેવો નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો
જૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે.
નિવૃતિ સમયે કર્મચારીના પગારની અડધી રકમ પેન્શન તરીકે આવે છે. કર્મચારીના છેલ્લા બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થા પ્રમાણે પેન્શન નક્કી થાય છે. કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કપાતા નહતા. કર્મચારીઓને સરકારની તિજોરીમાંથી પેન્શન ચુકવવામાં આવે છે. પેન્શન સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી મળે છે અને નિવૃત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યને પેન્શન મળે છે. કર્મચારીઓને દર 6 મહિના પછી DA આપવાની જોગવાઈ છે.