GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં પણ ‘ચંદા દો, ધંધા લો’? એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, 99% ભાજપ ને દાન કોન્ટ્રાકટરો દ્વારા

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 ડોનેશન પ્રાપ્ત થયેલા છે. જેમાં તેમને કુલ 365.114 કરોડનું દાન મળેલું છે. આમ, ભાજપને એક વર્ષમાં જે કુલ દાન મળ્યું છે તેમાંથી 90 ટકાથી વધુમાં કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસનું યોગદાન છે. જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.

બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત સામે આવી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળેલા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.

ગુજરાતમાંથી પાનકાર્ડ વગર ભાજપને 1.33 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જેમાંથી બહુ ઓછી જાણીતી નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું છે.

65 લાખના દાન સામે મળ્યો કરોડોનો કોન્ટ્રાક્ટ

  1. માહિતીનું વિશ્લેષણ કરતા સૌથી વઘુ રકમનું દાન પવન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 8 વખતમાં કૂલ 65 લાખ રૂપિયાનું ડોનેશન ભાજપને આ એક જ વર્ષમાં આપ્યું છે. રાજકોટમાં અગાઉ અનેક કામો ઉપરાંત ગત બે માસમાં જ પવન કન્સ્ટ્રક્શનનું 74.40. કરોડ રૂપિયાનું 6.30 ટકા ઊંચા ભાવ (આશરે 2 કરોડ રૂપિયા ઓન) વેસ્ટ ઝોનમાં રસ્તાના કામનું ટેન્ડર મંજૂર કરાયું છે. 9 માસ પછી મનપાની ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતી હોવા છતાં આ વર્ષ પૂરતું કામ આપવાને બદલે આગામી વર્ષનું કામ એક સાથે આપી દેવાયું છે.
  2. આ જ રીતે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને વાટાઘાટોના નામ પર બોલાવીને 12 ટકા ઊંચા ભાવથી 104.33 કરોડ રૂપિયાના રસ્તા કામનું ટેન્ડક બે વર્ષ સુધીનું આપી દેવાયું છે. ક્લાસિક દ્વારા આ વર્ષમાં 5.11 લાખનું દાન અપાયું છે.
  3. આ બે માસમાં કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું 167 કરોડ રૂપિયાનું કામ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અને ગાવર કન્સ્ટ્રક્શન લિ.ને જોઇન્ટમાં આપ્યું છે. અહીં ભ્રષ્ટાચારની શંકા એટલે જન્મી કે અગાઉ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો 1100 કરોડનો વર્તમાન ખર્ચ થાય છે તેથી 4 ગણા ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે એક જ પેઢીને કામ આપવા સીંગલ એજન્સીની શરત રાખી કોન્ટ્રાક્ટની લ્હાણી થઈ હતી, ત્યારે અહીં આ શરત પડતી મૂકીને જોઈન્ટમાં કામ આપ્યું. બેકબોને આ એક વર્ષમાં ભાજપને 14,26,652 રૂપિયાનું ડોનેશન આપ્યું છે.
  4. આ ઉપરાંત હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ. નામથી ભાજપને લાખોનું દાન થયું છે. મનપાની સ્થાયી સમિતિએ સપ્ટેમ્બર-2024માં ટેન્ડરમાં દેખીતી શંકાસ્પદ વહીવટ કરીને હાઈબોન્ડ ઈન્ફ્રા પ્રા.લિ.ને  51.81 ટકાના ઊંચા ભાવે 10.82 કરોડ રૂપિયાનું પાઈપલાઈનનું કામ મંજૂર કરાયું હતું. આ માટે વારંવાર ટેન્ડરો બહાર પડ્યા અને અગાઉ 40 ટકા, 46 ટકા ઊંચા ભાવે કામ નહીં આપીને વધુ ઓનથી કામ આપ્યું.
  5. રાજકોટની કેએસડી કન્સ્ટ્રક્શને ભાજપને આ વર્ષમાં 18.94 લાખનું ડોનેશન આપ્યું છે. મનપામાં તપાસ કરતાં કે.એસ.ડી. કન્સ્ટ્રક્શનને ગત બે માસમાં 8.85 કરોડ રૂપિયાનું કામ આપ્યું છે.
  6. અરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ 55 ટકા ઊંચા ભાવથી 3.56 કરોડનું કામ અપાયું હતું. આ નામથી ભાજપને 1.27 લાખનું દાન મળ્યું છે.
  7. મહાનગર પાલિકામાં આઉટ સોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનું કામ મેળવનારા એમ. જે. સોલંકી તેમજ ડી. જે. નાકરાણીએ એક લાખ રૂપિયાનું દાન ભાજપને આપ્યું છે.

Back to top button
error: Content is protected !!