GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર

રાજ્યમાં હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે આ સહાય પેકેજ મહત્વનું પગલું: મંત્રી શ્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
…..
• અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર ચૂકવશે

• હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ રૂ. ૫ લાખની મૂડી ઉપર ૯ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં પણ એક વર્ષ માટે મુક્તિ આપવા નિર્ણય
…..
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે.

આ પેકેજની જાહેરાત કરતા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આ સહાય પેકેજ રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે મહત્વનું પગલું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને અભ્યાસમાં કોઇ પણ પ્રકારની અગવડ ન પડે અને તેમના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખાસ શાળા ફી સહાય આપવા નિર્ણય લેવાયો છે. જેમાં બાળકોની શાળાની ફીના ૧૦૦% લેખે, બાળક દીઠ મહત્તમ રૂ. ૧૩,૫૦૦ની મર્યાદામાં એક વર્ષ માટે ફી ચૂકવણી કરવામાં આવશે. જે સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા શાળાઓને શિક્ષણ વિભાગની પદ્ધતિ મુજબ ચૂકવાશે.

સહાય માટે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા. ૩૧મી માર્ચ-૨૦૨૪ બાદ રોજગાર ગુમાવનાર રત્ન કલાકારને સહાય મળવા પાત્ર રહેશે. તે ઉપરાંત રત્ન કલાકારની ઉંમર ૨૧ વર્ષથી વધુ, ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી હીરા ઉદ્યોગના કારખાનામાં કામગીરી કરેલી હોય તેમજ હાલમાં હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હશે તેને સહાય મળવાપાત્ર રહેશે. તે માટે આ પેકેજની જાહેરાતથી ૨ માસની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. જેમાં જિલ્લા શ્રમ અધિકારી/રોજગાર અધિકારીનું પ્રમાણપત્ર અથવા ડાયમંડ એસોસિએશનનો ભલામણપત્ર તેમજ બાળકોની શાળાની ફી અંગેનું શાળાનું પ્રમાણપત્ર આધાર-પૂરાવા તરીકે જોડવાનું રહેશે.

તેવી જ રીતે હીરા ઉદ્યોગના એકમો માટે સહાયની જાહેરાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, એકમોની સ્થિરતા માટે ખાસ સહાય નિયત કરવામાં આવી છે. જેમાં એકમોને ટર્મ લોનની મહત્તમ રૂ. ૫ લાખની મૂડી ઉપર ૯ ટકાના દરે ત્રણ વર્ષ (૦૧/૦૭/૨૦૨૫થી ૩૦/૦૬/૨૦૨૮) સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. એટલુ જ નહિ, તેમને ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં પણ તા. ૦૧/૦૭/૨૦૨૫થી એક વર્ષ માટે મુક્તિ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સહાય મેળવવા ઇચ્છુક એકમોએ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી એક માસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ઉદ્યમ રજિસ્ટ્રેશન, લોન મંજૂરી પત્ર, જીએસટી રજિસ્ટ્રેશન, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના ટર્નઓવર અને વીજ વપરાશના આધાર-પૂરાવા સાથે અરજી કરવાની રહેશે.

હીરા ઉદ્યોગના એકમો માટે સહાય અંગે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે, તે અંતર્ગત સૂક્ષ્મ એકમો (પ્લાન્ટ અને મશીનરીમાં રૂ. ૨.૫ કરોડ સુધીનું મૂડીરોકાણ), એકમે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫) દરમિયાન હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું હોવું, ગત વર્ષ (૨૦૨૩-૨૪)ની સરખામણીએ વીજ વપરાશમાં ૨૫% અથવા તેથી વધુ ઘટાડો તેમજ એકમે તા. ૩૧/૦૩/૨૦૨૫ પહેલાં ઉદ્યમ રજિસ્ટ્રેશન મેળવેલું હોવું જોઈશે.

સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન થશે. જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટરશ્રી તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેંકના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ સામેલ હશે, જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે. આ સમિતિની બેઠક દર મહિને ઓછામાં ઓછી બે વખત યોજાશે.

Back to top button
error: Content is protected !!