ગાંધીનગરમાં ટેટ-1 પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા
ગાંધીનગરમાં ટેટ-1 પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. ભરતીમાં વિલંબને લઇ ઉમેદવારોએ રોષ ઠાલવ્યો છે. ચાર મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
રાજ્યમાંથી 700થી વધુ ઉમેદવારો જેમણે ટેટ-1ની ભરતી પ્રક્રિયા પાસ કરી છે તેઓ ગાંધીનગર પહોચ્યા હતા તેમનું કહેવુ છે કે અમે પરિક્ષા પાસ કરી છે પરંતુ ચાર મહિનાથી ભરતી પ્રક્રિયા અટકાવવામાં આવી છે. ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પર કોઈ સ્ટે નથી અને કાયમી ભરતી સાથે કોર્ટ કેસને જોડીને સમગ્ર પ્રક્રિયા અટકાવવી યોગ્ય નથી. ઉમેદવારોનું કહેવું છે કે આશરે નાપાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસને કારણે 10,160 ટેટ-1 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે.
ઉમેદવારોએ જણાવ્યુ હતુ કે વર્ષોની મહેનત પછી તેમણે તૈયારી કરી ટેટ-1 પાસ કરી છે. જો કે ભરતી અટકી જતાં 10,160 પાસ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની ગયુ છે. કોર્ટ કેસના અંતિમ ચુકાદાની રાહ જોવામાં આવશે તો આગામી બે-ત્રણ વર્ષ સુધી ભરતી અટકી રહેશે.
ઉમેદવારોએ ચિંમકી ઉચ્ચારી છે કે, 7 ઓગસ્ટ સુધી પીએમએલ જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.





