મહિલા અનામતના વિવાદાસ્પદ પરિપત્ર મુદ્દે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સાત વર્ષની લડત બાદ ત્રણ દીકરીઓને ન્યાય ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપવા નામદાર હાઈકોર્ટનો આદેશ; મૂળ ભરતી સમયથી સીનિયોરિટી ગણવા હુકમ

ગાંધીનગર:
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. 01/08/2018ના રોજ બહાર પાડવામાં આવેલા મહિલા અનામત સંબંધિત વિવાદાસ્પદ પરિપત્ર સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને પગલે વર્ષોથી અન્યાયનો ભોગ બનેલી દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજની દીકરીઓ માટે ન્યાયના દ્વાર ખુલ્યા છે.
*શું હતો સમગ્ર વિવાદ?*
વર્ષ 2018ના પરિપત્રને કારણે અનામત વર્ગની તેજસ્વી દીકરીઓને ઓપન મેરિટમાં સ્થાન મળતું અટક્યું હતું. આ પરિપત્ર સામે રાજ્યભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સામાજિક એકતા જાગૃતિ મિશન સહિતના સંગઠનોએ ગાંધીનગર ખાતે આ પરિપત્રની નકલો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મામલો હાઈકોર્ટમાં પહોંચતા અગાઉ આ પરિપત્ર રદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની અસર હેઠળ અનેક દીકરીઓ નોકરીથી વંચિત રહી ગઈ હતી.
*ન્યાયનો વિજય: હાઈકોર્ટનો કડક આદેશ*
નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી મૌલિક શૈલત સાહેબની કોર્ટમાં ચાલેલી સુનાવણી બાદ, વધુ માર્ક્સ હોવા છતાં અન્યાયનો ભોગ બનેલી ત્રણ દીકરીઓ—અંકિતા પરમાર, રમીલા વાઘેલા અને સુધા વરણ—ની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
નિમણૂક: આ ત્રણેય ઉમેદવારોને ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર (વર્ગ-૩) તરીકે સરકારી નોકરી આપવાનો હુકમ કરાયો છે.
સમયમર્યાદા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બે અઠવાડિયામાં સરકારને ભલામણ કરવા અને ગુજરાત સરકારને છ અઠવાડિયામાં આ દીકરીઓને ફરજ પર હાજર કરવા આદેશ અપાયો છે.
સીનિયોરિટી: ખાસ બાબત એ છે કે, આ ત્રણેય પીટીશનરોની નોકરીમાં સીનિયોરિટી મૂળ ભરતીના સમયથી જ ગણવા માટે કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
*એડવોકેટ કેવલસિંહ રાઠોડની જહેમત રંગ લાવી*
આ કેસમાં પીટીશનરો વતી એડવોકેટ કેવલસિંહ રાઠોડ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે બંધારણીય જોગવાઈઓ મુજબ વધુ ગુણ ધરાવતા અનામત વર્ગના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં સ્થાન મળવું જ જોઈએ. સાત વર્ષની લાંબી કાનૂની લડત બાદ આખરે શોષિત અને વંચિત સમાજની દીકરીઓનો વિજય થયો છે.
આ ચુકાદાથી ભવિષ્યમાં રાજ્યની લાખો પછાત વર્ગની બહેનો માટે અનામતના લાભ મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે.
અહેવાલ: પ્રસેનજીત બૌદ્ધ : અમદાવાદ






