ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે
સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું

ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે પૌરાણિક નદી સરસ્વતીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે પવિત્ર યાત્રાધામ પ્રાચીન તીર્થ ખાતે આવેલું સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે.
નદીમાં પાણીની સપાટી એટલી હદે વધી ગઈ છે કે, તે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. માધવરાય ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ભગવાન માધવરાયની પ્રતિમા ઉપર પણ 8થી 10 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું છે. પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી મંદિરના દર્શન અને પૂજા-અર્ચના બંધ કરી દેવામાં આવ્યા છે. પૌરાણિક મંદિર જળમગ્ન થતાં શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં વધુ ભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક અને આજે સવારના આંકડાઓ દર્શાવે છે કે, સ્થિતિ અત્યંત ગંભીર છે.
| સમયગાળો | તાલુકો | વરસાદ |
| છેલ્લા 24 કલાક | સૂત્રાપાડા | 6.9 ઇંચ |
| છેલ્લા 24 કલાક | ઉના | 5.6 ઇંચ |
| છેલ્લા 24 કલાક | ગીર ગઢડા | 5.2 ઇંચ |
| આજે સવારે (10 વાગ્યા સુધી) | તાલાલા | 1.4 ઇંચ |
| આજે સવારે (10 વાગ્યા સુધી) | સૂત્રાપાડા | 1.3 ઇંચ |
| આજે સવારે (10 વાગ્યા સુધી) | વેરાવળ | 1.3 ઇંચ |




