વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ-સાબરમતી ‘વંદે ભારત’ ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુસાફરી સુવિધામાં ઉમેરો
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૨૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યુ હતું. જે ઉપક્રમે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાન એ વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ(સોમનાથ)-સાબરમતી(અમદાવાદ) ‘વંદેભારત એક્સપ્રેસ’ ટ્રેનનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્યોશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો અનેક કુદરતી સ્થળો, નૈસર્ગિક પ્રકૃત્તિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે. સોમનાથ મંદિર, ગરવો ગઢ ગીરનાર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે કનેક્ટિવિટી અગત્યની છે, ત્યારે જિલ્લાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદેભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે.
જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનના માધ્યમથી સોમનાથ-અમદાવાદની મુસાફરીમાં વધુ એક ઉમેરો થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ મહાદેવના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓના સમયની પણ બચત થશે અને આરામદાયક મુસાફરીનો લાભ લઇ શકશે.
રેલવે ડી.આર.એમ. રવિશકુમારે તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનના રૂટ, સમય અને અત્યાધુનિક સગવડતાઓથી ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં.ઉલ્લેખનીય છેકે, ‘વંદે ભારત’ (ટ્રેન નં ૨૬૯૦૧/૨૬૯૦૨) ગુરૂવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દરરોજ બપોરે ૨.૩૦ કલાકે વેરાવળ થી પ્રસ્થાન કરશે અને સાંજે ૨૧.૩૦ કલાકે સાબરમતી સ્ટેશને આગમન થશે. આ ટ્રેનને જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટોપેજઅપાયોછે. સાબરમતી- વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જેમાં આરામદાયક રિક્લાઈંગ સીટો, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સી.સી.ટી.વી. કેમેરા જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી અતુલ ત્રિપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી સંજયભાઈ પરમાર, શિવાભાઈ સોલંકી, પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કર્મચારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ