
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના નાના કપાયાની બાળકીને મળ્યું નવજીવન: શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સમયસર સ્ક્રીનિંગથી જન્મજાત હૃદયની ખામીનું સફળ ઓપરેશન
RBSK ટીમની સતર્કતાથી બાળકીને આયુષ્માન કાર્ડ દ્વારા વિનામૂલ્યે આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળ્યો
મુંદરા :
રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી ‘૪-ડી સ્ક્રીનિંગ’ (4D Screening) કામગીરી બાળકો માટે જીવન બચાવનારી બની શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ મુંદરા તાલુકામાં જોવા મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમની સમયસર ઓળખ અને સતત ફોલોઅપના કારણે જન્મજાત હૃદયની ખામી ધરાવતી મુન્દ્રાના નાના કપાયા ગામની ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યા મહેશ્વરીનું સફળ ઓપરેશન કરવામાં આવતાં તેને નવું જીવન પ્રાપ્ત થયું છે.
મુંદરા તાલુકાની શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે RBSK ટીમ દ્વારા ‘૪-ડી સ્ક્રીનિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નાના કપાયા ગામ ખાતે તપાસ કરતા એક બાળકીમાં જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease – CHD) હોવાનું સમયસર નિદાન થયું હતું. રોગની ગંભીરતા પારખીને RBSK ટીમે તાત્કાલિક બાળકીને વધુ તપાસ અને નિષ્ણાત સારવાર માટે રિફર કરી હતી. આ સાથે બાળકીના વાલીને તેની વાસ્તવિક સ્થિતિ સમજાવીને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ટીમના સંકલનથી બાળકીને સમયસર અને યોગ્ય સારવાર પ્રાપ્ત થઈ હતી.
કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. મિતેષ ભંડેરી, RCHO ડો. દિનેશ પટેલ, અને મુન્દ્રાના તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડો. મેહુલ બાલદાણીયાના માર્ગદર્શન હેઠળ ડૉ. સંજય યોગી, ડૉ. અવની બેન્કર, ફિમેલ હેલ્થ વર્કર (FHW) મનીષાબેન સીજુ અને ફાર્માસિસ્ટ આકાંક્ષાબેન મહેશ્વરી સહિતની મુન્દ્રા RBSK ટીમે દસ્તાવેજી કાર્યવાહીથી લઈને સારવાર સુધીની તમામ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમના અવિરત પ્રયાસોથી બાળકને ‘આયુષ્માન કાર્ડ’ થકી સરકારની આરોગ્યલક્ષી યોજનાનો મહત્તમ લાભ પ્રાપ્ત થતાં તેનું સફળ હૃદય ઓપરેશન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ઓપરેશન બાદ પણ RBSK ટીમે બાળકીના ઘરે જઈને પોસ્ટ-ઓપરેટિવ મુલાકાત લીધી હતી અને વાલીને જરૂરી કાળજી તેમજ આરોગ્ય અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલમાં આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને તેની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. શાળા આરોગ્ય કાર્યક્રમની આ સફળતા સાબિત કરે છે કે, આ કાર્યક્રમ માત્ર સામાન્ય તપાસ પૂરતો સીમિત નથી, પરંતુ તે બાળકોમાં રહેલી ગંભીર અને જન્મજાત બીમારીઓની વહેલી ઓળખ કરીને તેમને યોગ્ય સારવાર સુધી પહોંચાડવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




