
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અનાવિલ સૈયરસખા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતનો સેવાયજ્ઞ – શિક્ષણ, સંસ્કાર અને સહયોગનો પ્રેરણાદાયી સંગમ
તેજસ્વીની સંસ્કૃતિધામ, વાસુરણા સંચાલિત તથા આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર માન્યતા પ્રાપ્ત શિવાશ્રય તેજસ્વીની છાત્રાલયમાં સેવા, સંસ્કાર અને સમાજપ્રત્યેની જવાબદારીનું પ્રેરણાદાયી દૃશ્ય સર્જાયું હતું. બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં અનાવિલ સૈયરસખા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રણેતા વિભૂતિબેન દેસાઈ તથા તેમની સેવાભાવી ટીમે છાત્રાલયમાં અભ્યાસ કરતી 50 આદિવાસી બાલિકાઓને જીવનજરૂરિયાતની વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓનું દાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
આ પ્રસંગે બાલિકાઓને પેટી, દફતર, છત્રી, કટલરી સામાન, ઇન્ડોર ગેમ્સ, કપડાં સહિત અનેક જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ ભેટોથી દીકરીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી નહીં પરંતુ “પુષ્પ નહીં, પુસ્તક” અને ખેસ અર્પણ કરીને કરવામાં આવ્યું. ત્યારબાદ છાત્રાલયની દીકરીઓએ પ્રાર્થના અને પરંપરાગત ડાંગી લોકનૃત્ય રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું.
પૂજ્ય હેતલ દીદીના માર્ગદર્શન હેઠળ ધ્યાન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મહેમાનોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. છાત્રાલયમાં બાલિકાઓને આપવામાં આવતું ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિસ્ત, સ્વચ્છતા અને સંસ્કારોથી પ્રભાવિત થઈ અનાવિલ સૈયરસખા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોકડ સહાય અર્પણ કરવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ વધુ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઈ, પૂજા, સુષ્મા, ભૂમિ, પ્રણીતા, દિપ્તી, કલ્પના, રીના, રંજના, યોગેશભાઈ, વિનયભાઈ સહિત અનાવિલ સૈયરસખા પરિવાર તથા તેજસ્વીની સંસ્કૃતિ પરિવારના સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ માત્ર દાન પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવતો અને આદિવાસી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજની સહભાગિતાનો પ્રેરણાદાયી સંદેશ આપતો અવસર બની રહ્યો.






