રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનો પદવીદાન સમારોહ ૧૪મી નવેમ્બરના રોજ યોજાશે
જી. એફ. આર. સી. પ્લેગ્રાઉન્ડ-કેમ્પસ ખાતે સવારે ૯.૩૦ કલાકે ફોરેસ્ટના તાલીમાર્થીઓને પદવી એનાયત કરાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના રાજપીપલા સ્થિત ગુજરાત રાજ્યની એક માત્ર ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનો પદવીદાન સમારોહ આગામી તા. ૧૪ મી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૯.૩૦ કલાકે રાજપીપલાની જી. એફ. આર. સી. પ્લેગ્રાઉન્ડ-કેમ્પસ ખાતે યોજાનાર છે. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ યુ. ડી. સિંહ (આઈ. એફ. એસ.) ઉપસ્થિત રહેશે. અને વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરશે.
આ પદવીદાન સમારોહમાં દેશના જંગલ અને વન સંપદાઓના સંરક્ષણ માટે કાર્યરત વન વિભાગના અધિકારીઓને તૈયાર કરતી ગુજરાત રાજ્યની એક માત્ર ૧૯૭૯ માં સ્થાપિત રાજપીપલા સ્થિત ફોરેસ્ટ કોલેજના પદવીદાન સમારોહમાં વર્ષ : ૨૦૨૩-૨૪ બેચના ફોરેસ્ટ રેન્જ ઓફિસર્સ તાલીમ પામેલા ૪૩ વિદ્યાર્થીઓને પાસિંગ આઉટ પરેડ સાથે ડિગ્રી એનાયત કરાશે. અને ઉત્કૃષ્ટ દેખાવ કરનારને મેડલ એનાયત મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહમાં બિહાર રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ પી. કે. ગુપ્તા (આઈ. એફ. એસ.) અને રાજ્યના એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) કે. એસ. રંધાવા પણ હાજરી આપશે. તેમ ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ રાજપીપલાના આચાર્ય એસ. કે. બેરવાલ તરફથી પ્રાપ્ત થયેલ અખબારી યાદીમાં જણાવાયું છે