GUJARATJUNAGADHKESHOD

કેશોદ કન્યા વિનય મંદિર શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, 650 વિદ્યાર્થીનીઓએ ગુરુપૂજન કરી વ્યક્ત કર્યો આદરભાવ

કેશોદ કન્યા વિનય મંદિર શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, 650 વિદ્યાર્થીનીઓએ ગુરુપૂજન કરી વ્યક્ત કર્યો આદરભાવ

કેશોદના અગતરાય રોડ સ્થિત કન્યા વિનય મંદિર શાળામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય “ગુરુ વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વર્ષાબેન ભાખરના માર્ગદર્શન અને આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 650 વિદ્યાર્થીનીઓએ પોતાના ગુરુજનોનું પૂજન કરી ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાને વંદન કર્યું હતું. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ કેશોદના ડૉ. સ્નેહલ તન્ના તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુરુપૂર્ણિમાના પાવન પર્વનું મહત્વ તેમજ જીવનમાં ગુરુના સ્થાન વિશે વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ભારત વિકાસ પરિષદના દિનેશભાઈ કાનાબારે ગુરુપૂર્ણિમાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવતાં ગુરુના માર્ગદર્શનથી જીવનમાં સફળતા અને સંસ્કારોનું નિર્માણ થાય છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જલ્પેશભાઈ ડોબરિયાએ ભારત વિકાસ પરિષદની સેવાકીય અને રાષ્ટ્રનિર્માણની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપી વિદ્યાર્થીઓને સમાજસેવામાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. જ્યારે દિનેશભાઈ સિદ્ધપરાએ પર્યાવરણ જાળવણીનું મહત્વ સમજાવી તમામ વિદ્યાર્થીનીઓને વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે શપથ લેવડાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુરુજનોનું સન્માન, ગુરુપૂજન તેમજ સંસ્કારલક્ષી માર્ગદર્શનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પ્રેરણાદાયી બન્યું હતું. શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!