ગુજરાત સાયન્સ સિટી ખાતે STEM Quiz 3.0નું ગ્રાન્ડ ફિનાલે, વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરી 2 કરોડના ઇનામો એનાયત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે STEM Quiz 3.0નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું, દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા.
STEM (Science, Technology, Engineering, Mathematics) વિષયોની ઉન્નતિ માટે યોજાઈ રહેલી આ ક્વિઝ સ્પર્ધા દેશની સૌથી મોટી STEM ક્વિઝ છે. તે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી હતી.
ગ્રાન્ડ ફિનાલેમાં 1080 વિદ્યાર્થીઓ સહિત કુલ 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. આ ક્વિઝના જુદા જુદા રાઉન્ડમાં 2650 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે ફાઈનલ રાઉન્ડમાં ટોપ 8 ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
STEM Quiz 3.0ના વિજેતા વિદ્યાર્થીઓને લૅપટૉપ, ટૅબલેટ, 3D-પ્રિંટર, ગુગલ AIY કિટ, ટૅલિસ્કોપ, રોબોટિક્સ-કિટ અને ડ્રોન-કિટ જેવી અદ્યતન તકનીકી ઉપકરણો એનાયત કરવામાં આવ્યા. કુલ 2 કરોડના ઈનામો વિતરણ કરવામાં આવ્યા.
વિજેતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ તકો પ્રદાન કરવા માટે તેમને નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (NFSU) ખાતે યોજાનાર STEM BootCamp માટે પસંદ કરવામાં આવશે. ઉપરાંત, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) તથા ISROના સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) જેવી અગ્રણી સંસ્થાઓની મુલાકાત લેવાની તક પણ મળશે.
આ પ્રસંગે GUJCOSTના એડવાઈઝર નરોત્તમ સાહુ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાયન્સ સિટીના અધિકારીઓ, શિક્ષકો, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. STEM Quiz 3.0નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે રસ જાગૃત કરવાનો અને તેમને નવીનતા તરફ પ્રોત્સાહિત કરવાનો છે.