હાલોલ:ગૌરીવ્રત નિમિત્તે કલરવ શાળામાં યોજાયી ભવ્ય જવારા હરીફાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૭.૨૦૨૬
ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર આનંદનો અવસર નથી,પરંતુ આપણી પરંપરા,શ્રદ્ધા અને સંસ્કારોના જીવંત પ્રતીક છે.આવા જ પાવન પ્રસંગે કલરવ શાળા દ્વારા તારીખ ૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ ગૌરીવ્રત નિમિત્તે ભક્તિ, સૌંદર્ય અને સર્જનાત્મકતાના સમન્વયરૂપ ‘જવારા હરીફાઈ’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં કે.જી. વિભાગના વાલીઓ તેમજ ધોરણ ૧ થી ૪ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)ના મળીને કુલ ૧૧૯ પ્રતિભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઘરેથી જવારા ઉગાડીને શાળામાં તેનું કલાત્મક રીતે પ્રસ્તુતિકરણ કર્યું હતું.રંગબેરંગી ફૂલો, આકર્ષક સજાવટ અને મનમોહક રજૂઆત સાથે શણગારેલા લીલાછમ જવારાઓએ સમગ્ર શાળાના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. જવારાઓની સજાવટ જોતાં એવું લાગતું હતું જાણે ભક્તિના બગીચામાં સુંદર પુષ્પો ખીલી ઉઠ્યા હોય!સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ પ્રસ્તુતિકરણ કરનાર વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય ક્રમાંક આપી પ્રમાણપત્ર વડે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અને સંસ્કૃતિને જીવંત રાખવા બદલ ભાગ લેનાર તમામ વાલીઓ તથા ભૂલકાંઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.













