ભરૂચ નગરપાલિકામાં વોર્ડ 2ના કોંગ્રેસ કોર્પોરેટરોની મુખ્ય અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત,
ભરૂચમાં પ્રી-મોન્સૂન કામગીરી માટે વોર્ડ 2ના કોંગ્રેસ કોર્પોરેટરોની તાકીદ, નગરપાલિકાને ચેતવણી



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ વોર્ડ નંબર 2માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીશા પટેલે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી
આ સાથે વોર્ડ નંબર 2 ના તમામ સભ્યોએ ભરૂચ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, જો સમયસર પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે.
નગરસેવક દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોમાં જોઈએ તો ગટર અને નાળાની સફાઈ,વરસાદી પાણીના નિકાલ માટે શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા અને ડ્રેનેજ લાઈનો ક્લિયર કરવા માંગ કરાઈ છે,જેથી જળબંબાકારની સ્થિતિ નિવારી શકાય સાથે રસ્તાઓનું સમારકામ વોર્ડના બિસ્માર રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક અને રિસર્ફેસિંગ કરવાની જરૂરિયાત દર્શાવી છે. ખાડાઓને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. GUDCના અનેક ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા છે અથવા બેસી ગયા છે. આ જોખમી ચેમ્બરોનો સર્વે કરી નવા ઢાંકણા નાખવા વિનંતી કરાઈ છે. જર્જરિત હાલતમાં રહેલા અને જોખમી મકાનો ઉતારી લેવા તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
જો આ કામગીરી સમયસર અને અસરકારક રીતે કરવામાં નહીં આવે અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન, અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




