GUJARATKHERGAMNAVSARI

ખેરગામના વાડ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં તંત્રની ઘોર બેદરકારી! બે-ત્રણ કલાક વીજળી ગુલ, અરજદારો પરેશાન

ખેરગામના વાડ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં તંત્રની ઘોર બેદરકારી! બે-ત્રણ કલાક વીજળી ગુલ, અરજદારો પરેશાન

ખેરગામ તાલુકાના વાડ પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં તંત્રના સંકલનના અભાવે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં પ્રારંભના અંદાજે બે થી ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતાં વિવિધ વિભાગોની કામગીરી અસરગ્રસ્ત બની હતી.મળતી માહિતી મુજબ, વીજ કનેક્શન સંબંધિત કામગીરી માટે જવાબદાર વિભાગ સાથે અગાઉથી યોગ્ય સંકલન ન થતાં કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો ઉપલબ્ધ ન રહ્યો. પરિણામે દાખલા, પ્રમાણપત્રો તથા અન્ય સરકારી સેવાઓ માટે આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ સરળતાથી મળી રહે તે છે. પરંતુ આવા મહત્વના કાર્યક્રમમાં વીજળી જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન રહેતાં આયોજન સામે અનેક સવાલો ઊભા થયા છે.સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારે અનેક વિભાગોના અધિકારીઓ એક જ સ્થળે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે પૂર્વ આયોજન અને વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન જરૂરી છે. નહીંતર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો હેતુ અધૂરો રહી જાય છે અને તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે.

Back to top button
error: Content is protected !!