ARAVALLIGUJARATMODASA

ઘોર બેદરકારી..!! મોડાસાની કૃષ્ણનગર સોસાયટીમાં નળમાંથી ગટરનું દૂષિત પાણી આવતા પાણીજન્ય રોગચાળાનો ભય

આરસીસી રોડ કોન્ટ્રાક્ટર અને ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતા કૃષ્ણનગર સોસાયટીના રહીશો

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

ઘોર બેદરકારી..!! મોડાસાની કૃષ્ણનગર સોસાયટીમાં નળમાંથી ગટરનું દૂષિત પાણી આવતા પાણીજન્ય રોગચાળાનો ભય

આરસીસી રોડ કોન્ટ્રાક્ટર અને ભૂગર્ભ ગટર કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતા કૃષ્ણનગર સોસાયટીના રહીશો

નગરપાલિકાના કોર્પોરેટર ચૂંટાયા બાદ વોર્ડમાં નજરે ન પડતા હોવાના આક્ષેપ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરી શુદ્ધ પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસના નામે નગરપાલિકા તંત્ર દ્વારા રોડ, વરસાદી ગટર અને ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જોકે છેલ્લા અનેક વર્ષોથી સતત ચાલતા ખોદકામ અને અર્ધવટા કામના કારણે શહેરવાસીઓ ત્રસ્ત બન્યા છે. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા વીસ દિવસથી પીવાના નળમાંથી ગટરનું દૂષિત પાણી આવતાં રહીશોમાં રોષ અને ભયનું માહોલ સર્જાયો છે.

કૃષ્ણનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળતાં પાણીમાંથી અસહ્ય દુર્ગંધ અને ગંદકી જોવા મળી રહી છે. પરિણામે રહીશો શુદ્ધ પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે. નગરપાલિકા તંત્રમાં વારંવાર રજૂઆત કર્યા બાદ પણ સ્થળ નિરીક્ષણ પછી યોગ્ય સમારકામ કરવામાં બેદરકારી દાખવાતા લોકોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભૂગર્ભ ગટર નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્યાંક ગટર પાઇપલાઇન લીક છે કે પછી પીવાના પાણીની લાઇનમાં ખામી છે તે બાબતે સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. ઉપરથી ગટરો ઉભરાતા રોડ પર ગંદુ પાણી વહી રહ્યું હોવાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

આ સમગ્ર મામલે કૃષ્ણનગર સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારોમાં ચૂંટાયેલા કોર્પોરેટરો શોધ્યા છતાં નજરે ન પડતા હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે. સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના એક મહિલા નેતાએ આ બાબતે લેખિત રજૂઆત નગરપાલિકામાં કરી હતી. નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ નિરીક્ષણ કરી ખાડા ખોદી ખુલ્લા મૂકી ગયા હોવા છતાં ત્યારબાદ સમારકામ હાથ ન ધરાતા રહીશોમાં નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો સામે ઉગ્ર રોષ ફેલાયો છે.

રહીશો જણાવે છે કે હાલ પીવાના પાણી માટે તેમને વેચાતું પાણી લેવા મજબૂર બનવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરીને શુદ્ધ પાણી પુરવઠો શરૂ કરવામાં આવે અને સંભવિત રોગચાળાથી વિસ્તારને બચાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!