
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૨૬ ઓગસ્ટ : ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી મળી રહે તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવી શકાય તે હેતુથી ભુજ તાલુકાના તલાટીઓની બેઠક યોજાઈ હતી. તાલુકા વિકાસ અધિકારીશ્રી દીક્ષિત ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પીવાના પાણીના નિયમિત ક્લોરીનેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી તથા ઇ.એમ.ઓ. ડૉ. કેશવકુમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિ, જિલ્લા સુપરવાઇઝર હરિભાઈ જાટીયા અને દામજીભાઈ વારોત્રા, એમ.પી.એચ.એસ. અશ્વિનભાઈ વણઝારા તથા એમ.ટી.એસ. કિંચન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિ દ્વારા ઉપસ્થિત તમામ તલાટી ઓને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના નિયમિત અને યોગ્ય ક્લોરીનેશનની અગત્યતા સમજાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો યોગ્ય ક્લોરીનેશન કરવામાં આવે તો પાણીજન્ય રોગોનો ફેલાવો અસરકારક રીતે અટકાવી શકાય છે. આ માટે દરેક ગામમાં પીવાના પાણીના સ્ત્રોતોનું નિયમિત ક્લોરીનેશન થાય અને પાણીની ગુણવત્તા સતત જળવાઈ રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી.જિલ્લા સુપરવાઇઝર હરિભાઈ જાટીયા દ્વારા વૈજ્ઞાનિક ઢબે ક્લોરીનેશન કરવાની પદ્ધતિ વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. તેમણે પાણીના જથ્થા મુજબ જરૂરી ક્લોરિનની માત્રા, ક્લોરીનેશન માટેની સામગ્રીની ખરીદી, સાચી પ્રક્રિયા અને કામગીરી દરમિયાન રાખવા પડતી સાવચેતીઓ વિશે તલાટીઓને સવિસ્તાર માહિતગાર કર્યા હતા.આ બેઠકની વિશેષતા એ રહી કે તેમાં ‘ક્લોરોસ્કોપ’ સાધન દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. પાણીમાં ક્લોરિનનું કેવી રીતે ચકાસવું અને પાણીમાં યોગ્ય માત્રામાં ક્લોરીનેશન થયું છે કે નહીં તેની ખાતરી કઈ રીતે કરવી, તે અંગે તલાટીઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને શુદ્ધ, સલામત અને રોગમુક્ત પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉપરાંત, પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે ગ્રામ્ય કક્ષાએ નિયમિત ક્લોરીનેશનની કામગીરીને વધુ સઘન, અસરકારક અને સુદૃઢ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.



