
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી- તા-12 ફેબ્રુઆરી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૩ હેઠળ કરવામાં આવેલ હતી. આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ-૫૩ હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ઘડવામાં આવેલ હતા. જોકે, તેમાં જરૂર જણાયે વખતો-વખત સુધારા પણ કરવામાં આવેલ હતા. તેમા છતાં ઘણીબધી જોગવાઈઓની સ્પષ્ટતા ન હોવાના કારણે નામદાર હાઈકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી ન હતી તેમજ બિનજરૂરી ગૂંચવણો ઉભી થતી હતી. આ ગૂંચવણના કારણે કેસનો સમયસર નિકાલ થઈ શકતો ન હતો અને સરકાર પક્ષે નાણાંકીય ભારણ વધતું જણાતુ હતુ. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવાની જરૂરત જણાઈ. તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ માં સુધારો કરવા માટે અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રકારની વિનિયમ ૧૯૭૪ સુધારા સમિતિમાં કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબની પણ સભ્ય તરીકે નિયુક્તિ કરવામા આવેલ છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે. તો એ બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર સંવર્ગ દ્વારા તેમને અભિનંદન પાઠવી, શાલ તેમજ રાષ્ટ્રવાદી કેલેન્ડર વડે તેમનુ સન્માન કરવામાં આવેલ હતુ. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- માધ્યમિક સરકારી રાજ્ય તેમજ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા, જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, જિલ્લા સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માધ્યમિક ગ્રાન્ટેડ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર ઉપસ્થિત રહેલ હતા, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવાયેલ હતુ.







