હાલોલ:નારાયણધામ તાજપૂરા આશ્રમ ખાતે શુક્રવારે યોજાનાર અન્નકુટની ઉજવણીને ધ્યાને લઈ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૧૧.૨૦૨૪
પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે તા.૧૫/૧૧/૨૦૨૪ શુક્રવારના રોજ અન્નકુટ તહેવાર ઉજવવામાં આવનાર છે.આ તહેવારમાં મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે પોતાના ખાનગી વાહનો લઈને આવતા હોય છે, તેમજ અન્ય ખાનગી વાહનચાલકો પણ યાત્રાળુઓને તાજપુરા ખાતે લઈને આવે છે. આ સ્થળે જવા-આવવાનો એક જ રસ્તો છે અને તે સાંકળો હોઈ રોડ ઉપર વાહનોની અવર-જવરના કારણે ટ્રાફીક નિયમન ખોરવાય જવાની શક્યતાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યુ છે.જાહેરનામા મુજબ તા.૧૫/૧૧/૨૦૨૪ રોજ હાલોલ તાલુકાના તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે અન્નકુટના તહેવારની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવનાર હોવાથી ટ્રાફિક નિયમન તેમજ કાયદો વ્યવસ્થા જાળવણી માટે પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમાએ તેમને મળેલ સત્તાની રૂએ હાલોલ તાલુકાના વાંસેતી ગામની ચોકડીથી તાજપુરા નારાયણધામ આશ્રમ સુધી ફકત આવવા માટે તેમજ તાજપુરા નારાયણધામ આશ્રમથી ઘોડી ગામ થઈ હાલોલ/વડોદરા તરફ ફકત પરત જવા માટે ગોપીપુરા ચોકડી સુધીનો રસ્તો એકતરફી રહેશે તેવો હુકમ ફરમાવ્યો છે.આ જાહેરનામુ તા.૧૫/૧૧/૨૦૨૪ના રોજ ૦૦-૦૦ કલાક થી ૨૪-૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.