Rajkot: કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયો તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ – પ્રાકૃતિક ખેતી તરફ વળવા તથા શ્રી અન્નનો ઉપયોગ વધારવા ખેડૂતોને કરાઈ અપીલ
તા.૭/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કોટડા સાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા: મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા
Rajkot: રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા આજે કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ઉપસ્થિત સૌને શ્રી અન્નનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.
પ્રાકૃતિક કૃષિ મહોત્સવના બીજા દિવસે ભાડવા ખાતે ઉપસ્થિત મંત્રી શ્રીમતિ ભાનુબહેને ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક તથા ઝેરી દવાઓથી ઉત્પાદિત ખેત ઉત્પાદનોથી જીવલેણ બીમારીઓ વધી રહી છે, ત્યારે પ્રાકૃતિક ખેત ઉત્પાદનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ભવિષ્યમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની જ માંગ રહેશે એમ જણાવતા તેમણે કહ્યું હતું કે, આવા ઝેરમુક્ત ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો હેતુ ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ તથા કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન અને સારા ભાવ મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ બની શકે તેવો હતો. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મહોત્સવની આ પરંપરાને સુપેરે આગળ વધારી રહ્યા છે.
શ્રી અન્નનું મહત્વ સમજાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખોરાકમાં તેનો ઉપયોગ વધારવો જોઈએ. આ સાથે તેમણે બાળકો તેમજ કિશોરીઓના પોષણનો ખ્યાલ રાખવા માતા-બહેનોને ખાસ અપીલ કરી હતી.
ખેતીમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો નામના સાથે નાણા પણ મેળવી શકે તેનું ઉદાહરણ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે કોટડાસાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા છે.
મંત્રીશ્રીએ કોટડા સાંગાણી પંથકમાં થયેલા રોડ રસ્તાના વિકાસ કામોની ઝાંખી આપતા જણાવ્યું હતું કે, કોટડા સાંગાણીથી દેવળીયાનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ઉપરાંત રીબડા નારણકા વાળા રોડનું રૂ. ૨૩ કરોડ ૬૫ લાખના ખર્ચે વાઈડનીંગ કરવામાં આવશે. કોટડાસાંગાણી પડવલાનો રોડ પણ ૩૨ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ કામોને મંજૂરી મળી ગઈ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી રાજ્યમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યા છે. ભાડવા ખાતે રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે ખેડૂતોને બાગાયતી પાકો તથા મિક્સ ફાર્મિંગ, પ્રિસીઝન ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન વિષય પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મહત્વનું માર્ગદર્શન અપાયું હતું. આ તકે ખેડૂતોની શંકાનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સુશ્રી તૃપ્તિ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી નીલેશભાઈ ટીલાળાએ પોતાની સફળતાનું ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાયના હુકમોનું મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ મહોત્સવમાં શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી સ્ટોલ, મિશન મંગલમ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ગાય આધારિત પ્રાકૃતિક ઘટકોનો લાઈવ સ્ટોલ, પી.એમ. કિસાન યોજના, કૃષિ યુનિવર્સિટી, પ્રાકૃતિક ફાર્મ, નેનો ટેકનોલોજી, જી.એ.ટી. એલ., શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, ખેતીવાડી શાખા સહિતના વિવિધ ૨૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાંથી ખેડૂતોને મહત્વની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આસિ. કલેકટર સુશ્રી મહેક જૈન, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી શ્રી રાઘવેન્દ્રસિંહ જાડેજા, શ્રી ભૂપેન્દ્રસિંહ, મામલતદાર શ્રી જી.બી. જાડેજા, તેમજ મોટી સંખ્યામાં બહેનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.