DAHODDAHOD CITY / TALUKOGUJARAT
ધાનપુરના રૈયાવણ ગામમાં ખુશીનો માહોલ: સંજય કુમારે સંઘર્ષો વચ્ચે વકીલ બની ગામનું નામ રોશન કર્યું
મજૂરી કરીને માતા-પિતાએ દીકરાને ભણાવ્યો, દીકરો બન્યો ગામનો પ્રથમ વકીલ

તા.૧૯.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ધાનપુરના રૈયાવણ ગામમાં ખુશીનો માહોલ: સંજય કુમારે સંઘર્ષો વચ્ચે વકીલ બની ગામનું નામ રોશન કર્યું
મજૂરી કરીને માતા-પિતાએ દીકરાને ભણાવ્યો, દીકરો બન્યો ગામનો પ્રથમ વકીલ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રૈયાવણ ગામના પલાસ સંજય કુંમાર મનાભાઈએ અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓ વચ્ચે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી Bar Council of Gujaratની સનદ પ્રાપ્ત કરી તથા AIBE (All India Bar Examination) પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી છે.પલાસ પરિવાર તથા રૈયાવણ ગામ માટે ગૌરવની વાત એ છે કે પલાસ પરિવાર તેમજ ગામમાંથી વકીલ બનનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. ગરીબ આદિવાસી પરિવારથી આવતા સંજયભાઈએ પોતાની મહેનત, સંઘર્ષ અને માતા-પિતાના ત્યાગના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે.સંજયભાઈના માતા-પિતાએ પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવા છતાં પોતાના દીકરાને ભણાવવાનો સંકલ્પ કર્યો હતો. પોતાના સંતાનના ભવિષ્ય માટે તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરી કામે જઈને દિવસ-રાત મહેનત કરતા અને અનેક મુશ્કેલીઓ તથા તકલીફો સહન કરીને સંજયભાઈના શિક્ષણનો ખર્ચ ઉઠાવતા રહ્યા. માતા-પિતાના પરિશ્રમ અને ત્યાગને કારણે સંજયભાઈએ કાયદાનું શિક્ષણ પૂર્ણ કરી આજે વકીલ તરીકેની ઓળખ મેળવી છે.આ પ્રસંગે સંજયભાઈએ જણાવ્યું હતું કે, “આ સફળતા માત્ર મારી નથી, પરંતુ મારા માતા-પિતાના વર્ષોના પરિશ્રમ, ત્યાગ અને સંઘર્ષનું પરિણામ છે. મારા માતા-પિતાએ પોતે તકલીફો સહન કરીને મને ભણાવ્યો અને મારા સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી.”વકીલ તરીકે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અંગે તેમણે જણાવ્યું કે તેઓ ખાસ કરીને ગરીબ, જરૂરિયાતમંદ, વિધવા મહિલાઓ અને અનાથ બાળકોને નિઃશુલ્ક કાયદાકીય સેવા તથા યોગ્ય માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધ રહેશે, જેથી આર્થિક મુશ્કેલીના કારણે કોઈ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે.ગામના પ્રથમ વકીલ તરીકે સંજયભાઈની આ સિદ્ધિથી સમગ્ર પલાસ પરિવાર તથા રૈયાવણ ગામમાં ગૌરવ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો તથા ગ્રામજનોએ સંજયભાઈને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.“મજૂરી કરતા માતા-પિતાના પરસેવાની કમાણીમાંથી ઉછરેલું એક સપનું આજે કાયદાની સનદ સાથે સાકાર થયું.”




