આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ

આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ
તાહિર મેમણ – આણંદ – 27/07/2026 – આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આણંદ દ્વારા જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફીસરોને પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે સઘન અટકાયતી કામગીરી કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી આમ સમગ્ર જિલ્લામાં રોગચાળા નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં અને કરમસદ-આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૮૯૨ જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી કરવામાં આવી છે જેમાં ૧.૯૯ લાખથી વધુ વસ્તીને સર્વેમાં આવરી લેવામાં આવી. આ દરમિયાન ૨૭ જેટલા મેડિકલ કેમ્પ યોજી ૭૭૮ દર્દીઓની તપાસ કરાઈ હતી, તેમજ ૧ લાખથી વધુ પાત્રોની તપાસ કરી મચ્છરના પોરાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી છે.
વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને અટકાવવા માટે આરોગ્યની ટીમો દ્વારા ઘેર-ઘેર ફરીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ઘરની અંદર અને આસપાસ રહેલા કુંડા, ફ્રીજની ટ્રે, ટાયર કે ભંગારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી એન્ટી-લાર્વલ (પોરાનાશક) કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં થર્મલ ફોગિંગ અને દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ સપ્તાહમાં એક દિવસ ‘ડ્રાય-ડે’ તરીકે ઉજવીને પાત્રો ખાલી કરી, સૂકવીને સાફ કરવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
પાણીજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઇફોઇડને રોકવા માટે પીવાના પાણીની શુદ્ધતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન અને ઓર્થોટોલ્યુડીન (OT) ટેસ્ટ દ્વારા ક્લોરીનની માત્રા ચકાસવાની કામગીરી તમામ આરોગ્ય કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, જરૂરિયાતવાળા વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે-ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ, ORS પેકેટ અને ઝીંકની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
આ અટકાયતી પગલાંઓ ઉપરાંત ફિલ્ડ સ્ટાફ દ્વારા તાવના દર્દીઓના લોહીના નમૂના (બ્લડ સ્મીયર/RDT) લઈ તપાસ કરવામાં આવી રહી છે અને ઝાડા-ઉલ્ટી કે અન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.




