વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
પાણીના સ્થળો તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા જિલ્લા કલેકટરશ્રીની અપીલ.
ભુજ,તા-૨૮ ઓગસ્ટ : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. આગામી ૨૪ કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેકટરશ્રી દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા અનુરોધ કરાયો છે.કલેકટરશ્રી અમિત અરોરાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ડ્રિપ ડ્રિપેશનના કારણે જિલ્લામાં સતત વરસાદ થઇ રહ્યો છે. ડિપ ડ્રિપેશન નોર્થ-ઇસ્ટર્નથી આજ રાત્રિના કચ્છ પરથી પસાર થઇને અરબ સાગર તરફ જશે જેના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તકેદારીના ભાગરૂપે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જિલ્લાવાસીઓને તા.૨૯ સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં, ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા ડેમો ઓવરફલો થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં ભારે વરસાદના પગલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી સંભાવના હોવાથી હોવાથી લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયા હોય તેવા સ્થળોએ અવરજવર ન કરવા સૂચન કર્યું હતું. ખાસ કરીને પાણી જોવા, પ્રવાસન સ્થળો તથા નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા તથા તમામ નાગરિકોને સર્તક અને સજગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.