Navsari:પ્રાકૃતિક ખેતીના દરેક ‘સ્ટીરીયો ટાઇપ’ તોડી ડ્રોન થકી જીવામૃતનો છંટકાવ કરતા નવસારી જિલ્લાના પ્રગતિશિલ ખેડૂત હેમંતભાઇ પટેલ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૨: પ્રાકૃતિક ખેતી અંગે ખોટી ધારણાઓ રાખતા ખેડૂતો માટે આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમાં નવસારી જિલ્લાના સદલાવ ગામના પ્રગતિશિલ ખેડૂત હેમંતભાઇ પ્રાકૃતિક ખેતીના દરેક આયામમાંથી આવક મેળવી સમગ્ર નવસારી જિલ્લામાટે પ્રેરણારૂપ બન્યા છે.
લોકોની એવી માન્યતા હોય છે કે ડ્રોન ફક્ત રસાયણીક ખેતીમાં જ ઉપયોગ થાય પરંતુ હેમંતભાઇ ડ્રોનમાં જીવામૃતનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં ડ્રોન મારફત પ્રાકૃતિક અંગેના દરેક ‘સ્ટીરીયો ટાઇપ’ તોડી રહ્યા છે. આજે તેઓ પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં ડ્રોનનો ઉપયોગ, શેરડી તથા અન્ય પાકમાં જીવામૃતનો છંટકાવ કરવા કરે છે. પ્રાકૃતિક ખેતીથી પકવેલ શેરડીનું મુલ્ય વર્ધન કરી પ્રાકૃતિક ગોળ બનાવે છે. તેઓ પાસે ૧૧ ગીર ગાય છે તેના દુધને વેચાણ નથી કરતા પરંતું ઘી બનાવી તેનું મુલ્ય વર્ધન કરે છે.
પ્રાકૃતિક ખેતી એક એવો આયામ ધરાવે છે જેમાં દરેક તત્વો ખેડૂતને પૈસા કમાવી આપી છે. પ્રાકૃતિક ખેતી જીવામૃત અને ઘનજીવામૃત વગર શક્ય નથી. પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃત અને ઘનજીવામૃતનું પોતાની ખેતીમાં ઉપયોગ અને વેચાણ કરી નવસારી જિલ્લાના સદલાવ ગામના ખેડૂત હેમંતભાઇ પટેલ લાખોની કમાણી કરી સધ્ધર બન્યા છે.
હેમંતભાઇએ ૨૦૧૭ થી પ્રાકૃતિક શરૂ કરી હતી. શરૂઆતમાં તેમણે ફક્ત ૧૫ ગુંઠામાં શેરડીના પાકમાં ખેતી કરવાનું શરૂ કર્યું જેમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર દ્વારા સૌ પ્રથમ જીવામૃત બનાવી છંટકાવ કર્યો. વર્ષ ૨૦૧૯માં સુરખાઈ ખાતે ટ્રેનિંગ દ્વારા જીવામૃતના માપદંડ અને પ્રમાણને સમજ્યા. તાલીમ અનુસાર જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની શરૂઆત કરતા દેખીતો ફરક જોવા મળ્યો. ૧૫ ગુંઠા થી શરૂ કરેલી પ્રાકૃતિક ખેતી આજે ૩૫ વિંઘામાં સફળતાપૂર્વક પ્રસરી છે. તેમણે મિશ્ર પાક પદ્ધતિ પણ અપનાવી છે જેથી ખૂબ મોટો ફાયદો થયો છે. તેઓ આજે શેરડી, સોયાબીન, ચોખા, તુવેર, મગ, ચણા, ચોળી, ડાગંર, પાપડી, રાજમા, કાંદાનો મબલખ પાક લઇ રહ્યા છે.
હેમંતભાઇએ જીવામૃત અને ઘનજીવામૃતના મહત્વને જાણ્યુ છે જીવામૃતનો નિયમિત ઉપયોગ કર્યા બાદ અને મિશ્ર પાક પધ્ધતિ અપનાવ્યા બાદ તમામ પાકોમાં સારું ઉત્પાદન જોવા મળ્યું અને ઉત્પાદન સરેરાશ વધી જ રહ્યું છે. આ ફાયદો અન્ય ખેડૂત ભાઇબહેનોને પણ થાય તે અર્થે જીવામૃત અને ઘનજીવામૃતનું ઉત્પાદન કરી જરૂરીયાતમંદને નજીવા દરે વેચાણ કરે છે. વધારે જથ્થામાં ઘનજીવામૃતનું ઉત્પાદન કરી શકાય તે માટે મશીનની જરૂરીયાત વર્તાતી હતી. જે હેમંતભાઇએ પોતે મિત્ર સાથે મળીને એક નાનકડુ મશીન તૈયાર કર્યું. જેને નામ આપ્યું ક્રશર મશીન. આજે આ પ્રકારના મશીનની માંગ માટે નવસારી સહિત વલસાડ, સુરત જિલ્લાના ખેડૂતો હેમંતભાઇની મદદ લે છે.
આ અંગે વધુ માહિતી આપતા હેમંતભાઇએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી અમે મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. આનો ફાયદો દરેક ખેડૂતને થાય તે માટે ક્રશર મશીન તૈયાર કર્યું છે. વેચાણથી ઘનજીવામૃત બનાવવા ગૌશાળામાંથી ગૌમુત્ર અને ગોબરનો ઉપયોગ કરીએ છે. અને ખેડૂતોની માંગ પ્રમાણે જીવામૃત અને ઘનજીવામૃત બનાવી આપીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીના પાકો અને ઉત્પાદનોના મુલ્ય વર્ધન કરી વાર્ષિક એક એકરમાં ૧ લાખ ૧૫ હજારથી ૧ લાખ ૨૦ હજર સુધીની આવક થાય છે. પ્રાકૃતિક ખેતીમાં જંતુનાશક રસાયણિક ખાતરનો ખર્ચ નહિવત આવવાથી ચોક્કખો ફાયદો થાય છે. તેથી દરેક ખેડુતે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ એમ હિમાયત કરી હતી. વધુમાં તેમણે સરકારશ્રીને પ્રાકૃતિક ખેત બજારના વિકાસ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આટલુ જ નહિ હેમંતભાઇ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લા કોર્ડિનેટર અને ફાર્મર ટ્રેનર હોવાથી પોતાના ગામ સહિત સમગ્ર નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપે છે. ખેડૂતો ખાસ કરીને ઘનજીવામૃતના ઉત્પાદન માટે તેઓની સલાહ સુચનો લે છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે તેઓને અનેક એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
કૃષિમા આધુનિકીકરણ અને પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે જેને નવસારી જિલ્લાના ખેડૂત હેમંતભાઇ સહિત અનેક ખેડુતો પુરી કરી નવસારી જિલ્લાને કૃષિ ક્ષેત્રે આગળ ધપાવી રહ્યા છે.