
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા૦૬ ઓગસ્ટ : ગુજરાત સરકાર મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે મહિલાઓ માટે “સ્વરોજગાર લોન મેળાનું આયોજન થયું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકાર મહિલાઓના ઉત્કર્ષ અંગે કાર્ય કરી રહી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, સરકારની મહિલાઓના વિકાસ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેનો લાભ લઈ મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ગુજરાત રાજ્યમાં સ્વસહાય જૂથોમાં બહેનો જોડાઈ રહી છે અને સ્વરોજગારી મેળવી પગભર બની રહી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર સબસિડી અને સહાય આપી મદદરૂપ બની રહી છે. દરેક ક્ષેત્રમાં નારીને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળે તે દિશામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આગળ વધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મહિલાઓના ઉત્કર્ષ માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે, બહેનોએ હુન્નરને વિકસાવી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. ઉક્ત મહિલા સ્વરોજગાર મેળામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ માટે સરપંચશ્રી કસ્તુરબેન ગરવા, સામાજિક ક્ષેત્રે કાર્ય કરતા સામાજિક અગ્રણીશ્રી અમૃતબેન લીંબાણી, “ડ્રોન સખી” બહેનશ્રી નીલમબેન ભિમાણી, “વ્હાલી દીકરી યોજના”ના લાભાર્થી ધૈર્યા મહેશ્વરી વગેરેને વિભાગ દ્વારા સન્માન પત્ર અને યોજનાકીય મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં સક્રિય સખી મંડળ ગાયત્રી સખી મંડળ, ખોડિયાર સખી મંડળને ડી.આર.ડી.એ. વિભાગના એન.આર.એલ.એમ.ની શાખા દ્વારા કેશ ક્રેડીટ લોનના ૩,૦૦,૦૦૦ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વરોજગાર મેળા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા-નખત્રાણા, જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ, વેલસ્પન ક્રોપ-અંજાર, એવન્યુ સુપરમાર્ટ લિ. ડી માર્ટ-ભુજ અને ગાંધીધામ, જી.આર.જી. કોટસ્પિન લિ.અંજાર, અક્ષાં બાંધણી, વગેરે કંપનીઓ અને વિવિધ સંસ્થાઓ જેમાં મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી સંસ્થાઓ અને તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા. તેમજ પ્રતિનિધિઓ દ્વારા પોતાની કંપની અને સંસ્થા દ્વારા કઈ-કઈ કામગીરી કરવામાં આવે છે અને કેવા પ્રકારની રોજગારી આપવામાં આવે છે તેની વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. સ્વરોજગાર મેળામાં પ્રદર્શન સહવેચાણ અર્થે નખત્રાણા તાલુકામાં કાર્યરત વિવિધ સખીમંડળો ઉપસ્થિત રહ્યા હતા અને પોતે ઉત્પાદન કરતા વિવિધ મડવર્ક છબીઓ, રાખડીઓ, ગૃહ ઉદ્યોગની તમામ સામગ્રીઓનું પણ પ્રદર્શન-સહ-વેચાણ રાખવામાં આવ્યું હતું. આ મેળામા બહોળી સંખ્યામા મહિલાઓ અને કિશોરીઓએ ભાગ લીધો હતો.ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ભરતભાઈ દ્વારા ખાસ મહિલા આર્થિક વિકાસ નિગમની “મહિલા સ્વાવલંબન” યોજના અંગેની વિસ્તાર પૂર્વક માહિતી તથા આ યોજના અંગે નવી જે સુધારાનીતિ આવેલી છે તે બાબતે સમજણ આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા વિભાગની મહિલાલક્ષી યોજનાઓ અંગે ઉપસ્થિત તમામ બહેનોને વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન DMC ફોરમબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું . અંતમાં કાર્યક્રમની આભારવિધિ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ભરતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહિલા બાળ અધિકારીની કચેરીની ટીમે જહેમત ઉઠાવી હતી.




