
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-13 ડિસેમ્બર : ભચાઉ તાલુકાના કુકરવા ગામ નજીક રવેચી માતાજીના કેમ્પ ખાતે “grow more fruit crops” કેમ્પેઈન અંતર્ગત તેમજ પ્રાકૃતિક કૃષિ વિષય પર ખેડૂત શિબિરનું આયોજન નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ભુજ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. સરકારના બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. આ ખેડૂત શિબિરમાં ભચાઉ તાલુકાના બાગાયત અધિકારીશ્રી આર. ડી. પ્રજાપતિ દ્વારા બાગાયત ખેતીમાં પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશેની સમજણ આપવામાં આવી હતી. વધુમાં સેન્ટર ઓફ એક્સેલસ ફોર ડેટ પામ, કુકમાના બાગાયત અધિકારીશ્રી કેતનસિંહ દ્વારા ખારેક પાકની ખેતી પદ્ધતિ તેમજ ખારેક પાક વિશેની સેન્ટરની કામગીરી વિશેની છણાવટ કરવામાં આવી હતી. ભચાઉ તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અધિકારીશ્રીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.નાયબ ખેતી નિયામક (તાલીમ)ની કચેરીમાંથી ઉપસ્થિત આત્મા યોજના સાથે સંકળાયેલા ભચાઉ તાલુકાના એટીએમશ્રી નરેશભાઇ પરમાર દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.




