ARAVALLIGUJARATMODASA

મોડાસા – ગાજણની ક્રિષ્ના નર્સિંગ કોલેજમાં માનવ તસ્કરી અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ગાજણની ક્રિષ્ના નર્સિંગ કોલેજમાં માનવ તસ્કરી અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમ

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓમાં માનવ તસ્કરી, બાળ સુરક્ષા તથા વિવિધ સરકારી હેલ્પલાઇન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, અરવલ્લી-મોડાસા દ્વારા ગાજણ ખાતે આવેલી ક્રિષ્ના નર્સિંગ કોલેજમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગના શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. શર્મા દ્વારા વિદ્યાર્થીઓને માનવ તસ્કરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન માનવ તસ્કરી શું છે, મહિલાઓ અને બાળકોને લાલચ, છેતરપિંડી, બળજબરી અથવા અન્ય માધ્યમથી તસ્કરીનો ભોગ બનતા કેવી રીતે અટકાવી શકાય તથા આવી પરિસ્થિતિમાં કઈ સાવચેતી રાખવી તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત બાળકોના અધિકારો અને બાળ સુરક્ષા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કોઈ બાળક ગુમ થાય, બાળ મજૂરી, બાળ લગ્ન, બાળકો સાથે દુર્વ્યવહાર અથવા કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિ કે બાળકને સમયસર મદદ મળી રહે તે માટે વિવિધ સરકારી હેલ્પલાઇનનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી. જેમાં ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, મહિલા હેલ્પલાઇન 181 અને ઇમરજન્સી હેલ્પલાઇન 112 સહિતની સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.આ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનવ તસ્કરી સામે જાગૃતિ વધારવા તેમજ બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે ઉપલબ્ધ કાયદાકીય જોગવાઈઓ અને સહાય સેવાઓ અંગે જાણકારી પહોંચાડવાનો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!