
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાનો મહત્વપૂર્ણ નિર્ણય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી અંગે રજૂઆત બાદ તપાસ સમિતિની રચના
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાનો મહત્વપૂર્ણ નિર્ણય, બે દિવસમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા સૂચના

અરવલ્લી જિલ્લામાં વર્ષ 2026 માટે આપવામાં આવનાર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા અંગે હવે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ, અરવલ્લી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆતમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદ કરાયેલા ઉમેદવારોની નિર્ધારિત લાયકાત, શૈક્ષણિક અનુભવ તેમજ લાગુ પડતા નિયમો અને માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન થયું છે કે કેમ તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ સમગ્ર મામલે તટસ્થ અને નિયમોનુસાર તપાસ કરવા માટે તપાસ સમિતિની રચના કરવાની સૂચના આપી છે. કલેક્ટરની સૂચના મુજબ તપાસ સમિતિમાં નાયબ કલેક્ટર તેમજ કલેક્ટર કચેરીના ચિટનિશનો સમાવેશ કરવામાં આવશે.તપાસ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની સમગ્ર પસંદગી પ્રક્રિયા, ઉમેદવારોની લાયકાત, શૈક્ષણિક અનુભવ તેમજ લાગુ પડતા નિયમો અને માર્ગદર્શિકાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.કલેક્ટર મિલિન્દ બાપનાએ તપાસ સમિતિને સમગ્ર મામલાની હકીકતલક્ષી અને નિષ્પક્ષ તપાસ કરી બે દિવસમાં અહેવાલ રજૂ કરવા સ્પષ્ટ સૂચના આપી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયામાં નિયમો, પારદર્શિતા અને ન્યાયસંગતતાને પ્રાધાન્ય આપવામાં આવશે. તપાસ સમિતિના અહેવાલ બાદ હકીકતોના આધારે નિયમોનુસાર જરૂરી નિર્ણય લેવામાં આવશે.



