ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ખેડૂત ખાતેદારોને વિનામૂલ્યે ગામ નમુના નં.7ની નકલ કાઢી અપાશે

આણંદ જિલ્લામાં ખેડૂત ખાતેદારોને વિનામૂલ્યે ગામ નમુના નં.7ની નકલ કાઢી અપાશે

તાહિર મેમણ – આણંદ – 13/11/2024 – આણંદ જિલ્લામાં એક નવતર અભિનવ પહેલના ભાગરૂપે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહેસૂલી ક્ષતિ સુધારણા, વારસાઈ માટે સમગ્ર જિલ્લામાં તારીખ 11 નવેમ્બર થી તારીખ 11 ડિસેમ્બર,2024 દરમ્યાન મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

રાજ્ય સરકારના છેવાડાના માનવીના પ્રશ્નો હલ કરવાના અભિગમને ધ્યાનમાં રાખી જિલ્લામાં વારસાઇ અને મહેસુલી રેકર્ડમાં ક્ષતિ સુધારણા અંગે એક માસની ઝુંબેશ વિવિધ સેવાઓ સાથે મહેસુલી સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મહેસૂલી રેકર્ડમાં મૃતકોના નામો ગામ નમુના નંબર 7 માં વારસાઈ ન થવાના કારણે કબજેદાર તરીકે છે. આ ઉપરાંત મહેસુલી રેકર્ડમાં ઘણી ક્ષતિઓ ધ્યાને આવી છે. જે અન્વયે આ ઝુંબેશ હેઠળ આગામી તારીખ 11 નવેમ્બરથી તારીખ 11 ડિસેમ્બર સુધી જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં ક્લસ્ટર બનાવી મહેસુલી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંબંધિત પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ યોજાશે. દરેક તાલુકામાં કુલ 6 તબક્કામાં ગામોના ક્લસ્ટરમાં કેમ્પ યોજવામાં આવશે, જેની આગોતરી જાણ અરજદારોને કરવામાં આવશે.

મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત દરેક ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે ગામ નમુના નંબર 7 ની નકલ આપવામાં આવશે. અરજદારો પાસેથી વારસાઈની અરજીઓ મેળવી સ્વ-ધોષણા આધારે જ પેઢીનામા બનાવવામાં આવશે. તલાટી કમ મંત્રીના મરણ રજિસ્ટર આધારે ખાત્રી કરી પેઢીનામા સહિત વારસાઈની અરજી સ્વીકારવામાં આવશે. જે બાદ સંબંધિત મામલતદાર દ્વારા કોઈ મનાઈ હુકમ, તકરાર, અગાઉની તબદીલીઓની વિગતો ધ્યાને લઈ ખાત્રી કરીને નોંધ પાડવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રેવન્યુ રેકર્ડમાં થયેલ ક્ષતિ બાબતે સંબંધિત ખેડુત પાસેથી ક્ષતિ સુધારણાની અરજી મેળવી મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ રેકર્ડની નકલો અરજદાર પાસેથી મેળવવાનો આગ્રહ રાખવામાં આવશે નહિ.

કેમ્પ દરમ્યાન રેશનકાર્ડ તથા પી.એમ.કિસાન યોજના અંતર્ગત e-kyc ની કામગીરી સહિતની વિવિધ મુશ્કેલીઓના નિવારણ તેમજ એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રેશન, રેશનકાર્ડમાં સુધારા-વધારા, સમાજ સુરક્ષાની યોજનાઓને લગતી અરજીઓ કેમ્પ દરમ્યાન સ્વીકારી તેનો સકારાત્મક ઉકેલ કરવામાં આવશે. આણંદ જિલ્લાના અરજદારોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!