અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન (PMJAY) કાર્ડ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ, ૬,૩૦૦ થી વધુ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડ કાઢી આપવામાં આવ્યા.
અરવલ્લી જીલ્લાના માનનીય જીલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશ આજના દિવસે જીલ્લાનાં તમામ વિસ્તારોમાં સફળતાપૂર્વક યોજવામાં આવેલ.સમગ્ર જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આયોજિત આ ઝુંબેશ અંતર્ગત આશા બહેનો, ફીહેવ, મપહેવ, સીએચઓ દ્વારા “હાઉસ ટુ હાઉસ” તથા આરોગ્ય સંસ્થાઓ તથા કેમ્પ આધારિત અને સમુદાયોમાં કામગીરી કરવામાં આવી.
ખાસ કરીને 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો તથા NFSA લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવાયા. આ યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે આરોગ્ય કર્મચારી દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા.દિવસના અંતે અંદાજે ૬,૩૦૦ થી વધુ PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા અને લાભાર્થીઓને આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત થતી સુનિશ્ચિત કરવામાં આવી.રાજ્ય સરકાર અને ભારત સરકારના આરોગ્ય સર્વજન હિતાય – સર્વજન સુખાય ધ્યેયને અનુરૂપ તમામ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનું કવચ મળી રહે તે અતિઆવશ્યક છે.
અરવલ્લી વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે જે લોકો હજુ સુધી આયુષ્માન કાર્ડથી વંચિત છે તેઓ પોતાના નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર તથા આરોગ્ય કર્મચારીશ્રીનો સંપર્ક કરી કાર્ડ કઢાવી શકે. દૈનિક ધોરણે આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ચાલે છે તથા લાભાર્થી પોતે પણ આયુષ્માન એપ તથા PMJAY પોર્ટલ: https://beneficiary.nha.gov.in પર પણ આયુષ્માન કાર્ડ જાતે કાઢી શકશે.આ ડ્રાઈવને સફળ બનાવવામાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનાં તમામ મેડીકલ ઓફીસર,તાલુકા આરોગ્ય અધિકારી અને આયુષ તબીબોએ સતત સુપરવિઝન મોનીટરીંગ કરી કામગીરી સફળ બનાવેલ છે.