AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહેતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા જયારે એક તણાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવતા પાંચ જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થતા 7 જેટલા ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા જ્યારે ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ઉગા ગામનો આધેડ પૂર્ણા નદી પરનાં ચેકડેમને ઓંળગવા જતા ધસમસતા પ્રવાહમાં તણાયો..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડતા લોકમાતાઓમાં પાણીનાં વહેણ તેજ બન્યા છે.બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ, આહવા,મોરઝીરા,ચીંચલી,ગારખડી, પીપલદહાડ,લવચાલી,સુબિર,સિંગાણા, મહાલ,ભેંસકાતરી,બરડીપાડા,કાલીબેલ, ઝાવડા,સાકરપાતળ,વઘઇ સહીત પૂર્વપટ્ટી સરહદીય પંથકોનાં ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નીચાણવાળા વિસ્તારમાં તથા માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો.ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનાં પગલે અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદી,નાળા, વહેળા,કોતરડા અને ઝરણાઓ છલકાઈને વહેતા થયા છે.ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વઘઇનો ગીરાધોધ, ગીરમાળનો ગીરા ધોધ તથા ગીરા નદીનો યુટર્ન વનદેવીનો નેકલેસ સોળે કળાએ ખીલી ઉઠી નવલા નજરાણુનાં દ્રશ્યો પ્રતીત કરાવી રહ્યા હતા.બુધવારે આહવા વઘઇ રાજય ધોરીમાર્ગનાં ભવાનદગડ ગામ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ પડતા થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો.જોકે માર્ગ મકાન વિભાગ અને વન વિભાગ દ્વારા ધરાશયી થયેલ ઝાડને તુરંત જ હટાવી દેવાતા માર્ગ પૂર્વ રત થયો હતો.ગતરોજ સુબિર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી.જે અરસામાં સુબિર તાલુકાનાં ઉગા ગામનો આધેડ ગુલસિંગ માહરૂ પવાર.ઉ.56 જેઓ પોતાના પુત્ર સાથે પૂર્ણા નદી પર આવેલ ચેકડેમ ઓંળગી રહયો હતો.તે દરમ્યાન તેનો પગ લપસી જતા પૂર્ણા નદીનાં ધસમસતા પુરમાં તણાયો હતો.જે તણાયેલ આધેડની લાશ આજરોજ બીજા દિવસે પણ મળી ન હતી.હાલમાં ડાંગ વહીવટી તંત્રનાં લાશકરો અને સ્થાનિકો તણાયેલ આધેડનાં લાશની શોધખોળ કરી રહ્યાનું જાણવા મળેલ છે.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા પાંચ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા હતા.જેના પગલે સાતેક ગામો જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા.બુધવારે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વઘઇ તાલુકાના પાંચ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (2) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (3) સુસરદા વી.એ.રોડ, (4) ઘોડવહળ વી.એ.રોડ, (5) આહેરડી-બોરપાડા રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ટોપિંગ થવાથી અવરોધાયા છે.જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!