ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ તાલુકામાં પાણીની અછતથી ખેડૂતોની ચિંતા વધી, મગફળી-મકાઈ-સોયાબીનના પાક સુકાવા લાગ્યા, 61 તળાવો માંથી માત્ર 6 તળાવોમાં પાણી હોવાનો દાવો 

તાલુકાના 129 ગામડાઓ પૈકી વૈડી ડેમના પાણીનો લાભ માત્ર 12 ગામો પુરતો..!!! કેટલાક ગામડાઓમાં કેનાલની સુવિધા નથી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં પાણીની અછતથી ખેડૂતોની ચિંતા વધી, મગફળી-મકાઈ-સોયાબીનના પાક સુકાવા લાગ્યા, 61 તળાવો માંથી માત્ર 6 તળાવોમાં પાણી હોવાનો દાવો

તાલુકાના 129 ગામડાઓ પૈકી વૈડી ડેમના પાણીનો લાભ માત્ર 12 ગામો પુરતો..!!! કેટલાક ગામડાઓમાં કેનાલની સુવિધા નથી

મેઘરજ તાલુકામાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદના ચાર રાઉન્ડ થયા હોવા છતાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે. તાલુકાના અનેક ગામોના ચેકડેમો અને તળાવો હજુ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા ઉભી થઈ છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો મગફળી, મકાઈ અને સોયાબીનના પાકને અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.ચાલુ વર્ષે મેઘરજ તાલુકામાં ચોમાસું સામાન્ય રહેતા અનેક વિસ્તારોમાં પાક સુકાવા લાગ્યો છે. પાકને બચાવવા ખેડૂતો હવે પોતાના ખેતરોમાં પાણી આપી રહ્યા છે. વરસાદની રાહ જોવાની સાથે ખેડૂતો પાક બચાવવા વૈકલ્પિક રીતે સિંચાઈ કરવાની મથામણ કરી રહ્યા છે. જો હવે સારો વરસાદ નહીં પડે તો આગામી શિયાળુ ખેતી માટે પણ સિંચાઈના પાણીની અછત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે.

 

મેઘરજ તાલુકાના કંભરોડા, વાસણા, સિસોદરા (મે), ખાંડીવાવ, પિસાલ, લાલાકૂપા અને પૃથ્વીપુરા સહિતના અનેક ગામોમાં ખેડૂતો ખેતી માટે તળાવો અને નદીના પાણી પર આધાર રાખે છે. આ વિસ્તારોમાં તળાવો મુખ્યત્વે વરસાદી પાણીથી ભરાતા હોય છે. જોકે ચાલુ વર્ષે તળાવોમાં પૂરતું પાણી ભરાયું નથી અને અનેક તળાવોમાં માત્ર ખાબોચિયાં જેટલું જ પાણી જોવા મળી રહ્યું છે.

મેઘરજ તાલુકામાં વૈડી ડેમ આવેલો છે, પરંતુ આ ડેમમાંથી ડેમ વિસ્તારના આશરે 12 ગામોને જ કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. તાલુકાના અન્ય વિસ્તારોમાં સિંચાઈની સુવિધા મર્યાદિત હોવાથી વરસાદ જ ખેડૂતો માટે ખેતીનો મુખ્ય આધાર બની રહે છે.તાલુકાના 129 ગામોમાં આશરે 61 જેટલા તળાવો અને 44 જેટલા ચેકડેમ આવેલા છે. જોકે હાલ ગણતરીના તળાવોમાં જ પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. બીજી તરફ મેઘરજ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદી પર મોટો ડેમ ન હોવાથી દર વર્ષે સિંચાઈના પાણીની સમસ્યા સર્જાતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે.વાત્રક નદી રાજસ્થાન તરફથી આવતી હોવાથી ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળે છે, પરંતુ શિયાળામાં પાણીનો પ્રવાહ ઘટી જતાં ઉનાળાની શરૂઆત પહેલાં જ નદીનો મોટાભાગનો પટ સુકાઈ જાય છે. પરિણામે ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખેડૂતોની માંગ છે કે મેઘરજ તાલુકામાં વાત્રક નદી પર મોટો ડેમ બનાવવામાં આવે. સાથે જ કંભરોડા, પિસાલ, વાસણા અને સિસોદરા (મે) સહિતના ગામોના તળાવોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તો વર્ષભર પાણીનો જથ્થો જાળવી શકાય. નર્મદાનું પાણી તળાવો સુધી પહોંચે તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે અને તાલુકાના ખેતી આધારિત વિસ્તારોને મોટો લાભ થઈ શકે તેમ છે.

Back to top button
error: Content is protected !!