GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ૫૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તેમજ ૪૮૪ વોર્ડોમાં સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૯: નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી છે. જે અન્વયે ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
જે અનુસાર ચૂંટણીની જાહેરાતની તારીખ ૨૮-૦૫-૨૦૨૫, જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ-૦૨-૦૬-૨૦૨૫ , ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ- ૦૯-૦૬-૨૦૨૫, ઉમેદવારીપત્રોની ચકાસણી કરવાની તારીખ-૧૦-૦૬-૨૦૨૫, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ-૧૧-૦૬-૨૦૨૫, મતદાનની તારીખ તથા સમય તા.૨૨-૦૬-૨૦૨૫ (રવિવાર) સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી, પુનઃમતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.૨૪-૦૬-૨૦૨૫,  મતગણતરીની તારીખ-૨૫-૦૬-૨૦૨૫, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ-૨૭-૦૬-૨૦૨૫ રહેશે.

ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૮/૦૫/૨૦૨૫ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે. નવસારી જિલ્લામાં ૫૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તેમજ ૪૮૪ વોર્ડોમાં સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે. સાથો સાથ ૮૨ ગ્રામ પંચાયતોમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધીમાં પ્રસંગોપાત ખાલી પડેલ વોર્ડ | સરપંચ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. રાજય ચૂંટણી આયોગના આદેશથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવેલ હોઈ, ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામાં તેઓ દ્વારા બહાર પાડવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત-દેવા-શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારીપત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયત નમૂનામાં સાદા કાગળ પર એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે.

આ ચૂંટણીઓમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદારો ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકશે અથવા આયોગની વેબસાઈટ પરથી download પણ કરી શકશે. (આયોગની વેબ સાઈટ https://sec.gujarat.gov.in)

આ ચૂંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહશે. (EPIC) રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિતુ મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચૂંટણી આયોગના તા.૨૬/૧૧/૨૦૧૬ ના આદેશથી નિયત કરેલ જુદા જુદા ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકાશે.

રાજય ચૂંટણી આયોગે, આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો નક્કી કરેલ છે.  કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પુરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે.  ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન / મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ બેલેટ પેપર / મતપેટી ઘ્વારા કરવામાં આવશે. નોટા (NOTA) નો અમલ કરવાનો રહે છે.

રાજય ચૂંટણી આયોગ મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબુત કરવા પોતાનાં મતાધિકારને ઉપયોગ કરી, મતદાન કરવા અનુરોધ કરે છે. આયોગ મતદારો, ઉમેદવારો, સર્વે રાજકીય પક્ષો અને જાહેર જનતા તરફથી પાયાની લોકશાહીની આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે આ રાષ્ટ્રીય / સંવૈધાનિક કામમાં સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખે છે. એમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નિવાસી અધિક કલેકટર નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!