

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામમાં LPG કોમર્શિયલ ગેસ બોટલની અછતના કારણે સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ના પ્રભાવને કારણે ગેસ સપ્લાયમાં વિક્ષેપ સર્જાયો હોવાનું મનાય છે, જેના પરિણામે ગામના નાના ધંધાર્થીઓ સીધા પ્રભાવિત થયા છે.
સાધલી ખાતે APMC શોપિંગ સેન્ટરમાં આવેલી “શ્રી રામ ડાઇનિંગ હોલ”ના સંચાલકે જણાવ્યું હતું કે LPG ગેસ બોટલની અછતને કારણે તેમને આજથી લાકડાના ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કરવું પડ્યું છે.
આ બદલાવના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. સાધલી ગામના બજારમાં આવેલી એક ચાની લારી પર પણ લાકડાના ચૂલા પર ચા બનાવવાની ફરજ પડી છે, જ્યારે બીજી એક ચાની લારી ગેસની અછતને કારણે છેલ્લા બે દિવસથી બંધ રાખવી પડી છે.
જ્યારે જલેબી બનાવતી એક દુકાન પર પણ LPG ગેસ ન મળતા લાકડાની સગડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે જો ગેસની સપ્લાય જલ્દી સુધરશે નહીં તો તેમના ધંધા પર ગંભીર અસર પડશે. સ્થાનિક સ્તરે ગેસની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ પરિસ્થિતિએ દર્શાવ્યું છે કે વૈશ્વિક ઘટનાઓનો પ્રભાવ હવે નાના ગામડાંઓ સુધી પહોંચી રહ્યો છે, અને સામાન્ય લોકોના રોજિંદા જીવન પર તેની સીધી અસર પડી રહી છે.




