
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સતીષાણા ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરથી પરમારવાસ તરફ જતો માર્ગ સ્થાનિક લોકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો છે. જોકે છેલ્લા અંદાજે બે વર્ષથી આ માર્ગ પર ગટર લાઈન બ્લોકેજ થતાં ગટરનું ગંદુ પાણી સતત ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે છેલ્લા બે વર્ષથી અનેક વખત સતીષાણા ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યા યથાવત રહી છે.
આ ઉપરાંત પશુપાલકો દ્વારા રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલા ઉકરડામાં પશુઓનો ચારો અને વાસીદું નાખવામાં આવે છે. વરસાદી પાણી સાથે આ કચરો રસ્તા પર આવી જતાં ગટરનું ગંદુ પાણી અને કચરો ભેગા થઈ જતા દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ લોકો માટે માર્ગ પરથી પસાર થવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
અશોકભાઈ મકવાણાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં સુરક્ષા દિવાલની મંજૂરી મળ્યા બાદ પણ કોઈ કારણસર તે કામગીરી રદ કરાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેના કારણે રસ્તો પણ સાંકડો બની ગયો છે અને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી ગટરનું ગંદુ પાણી દૂર કરવામાં આવે, માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેમજ અન્ય તમામ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ ઉચ્ચારી છે.




