THARADVAV-THARAD

લાખણીમાં બર્થડે પાર્ટીમાં ફાયરિંગ કરનાર બે શખ્સ એસઓજીના હાથે ઝડપી, એકનાળી બંદૂક જપ્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બે શખ્સોને ઝડપીને તેમની પાસેથી એકનાળી બંદૂક કબજે કરી છે.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા પર નજર રાખીને લોકોમાં ભય ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચના અનુસંધાને એસઓજી વાવ-થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.વી. ધોકડિયા તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન વાયરલ થયેલા વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી. વીડિયોમાં એક શખ્સ એકનાળી રાયફલથી હવામાં ફાયરિંગ કરતો અને બીજો શખ્સ ત્યારબાદ હથિયાર હાથમાં લેતો જોવા મળ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટના લાખણી ખાતે બર્થડે પાર્ટી દરમિયાન બની હતી. બંને શખ્સોએ બેદરકારીપૂર્વક ફાયરિંગ કરી લોકોની સલામતી જોખમમાં મૂકી તેમજ ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું.

પોલીસે ખાનગી માહિતીના આધારે લાખણી વિસ્તારમાં જી.ઈ.બી. પાછળ આવેલી સોસાયટીમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ. 10,000 કિંમતની એકનાળી બંદૂક જપ્ત કરી હતી.

પકડાયેલા આરોપીઓમાં અંશુમાનસિંહ ભુપેન્દ્રસિંહ કરણસિંહ (મૂળ રહેવાસી મોડાવાસ, તા. સોજત, જી. પાલી, રાજસ્થાન) અને રાજકુમાર બલવીર ગુરુદયાલ (મૂળ રહેવાસી ભીંડ, મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે, જે હાલમાં લાખણી ખાતે રહેતા હતા.

આ મામલે આગથળા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!