
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હાઇવે જળબંબાકાર ; મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અરવલ્લી જિલ્લામાં ગુરુવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાયડમાં અંદાજે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ભારે વરસાદના કારણે મોડાસા-બાયડ-નડિયાદ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતાં માર્ગ જળબંબાકાર બન્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.બીજી તરફ જિલ્લા મુખ્ય મથક મોડાસામાં પણ અડધા કલાકના વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બસપોર્ટ રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.શહેરના રામપાર્ક, કલ્યાણ સોસાયટી અને કેદાર સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહિશોમાં ચિંતા જોવા મળી હતી. દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર પાસે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




