
તા.૨૦.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા મનરેગા કૌંભાંડમાં પોલીસ દ્વારા ગતરોજ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડ, તેમના ભાણેજ, એજન્સીના માલિક, ડેપ્યુટી ડીડીઓ ક્લાસ વન ઓફિસર સહિત પાંચ કૌંભાંડકારીઓની પોલીસે ધરપકડ કરી હતી જેમાં આજરોજ કિરણ ખાબડ ધાનપુરના તત્કાલિન ટીડીઓ તેમજ હાલમાં જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓના ચાર-ચાર દિવસના પોલીસ રિમાન્ડ અને એપીઓ દિલીપ ચૌહાણના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ દાહોદની કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યાં છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીઆમાં ૭૧ કરોડના મનરેગા મહા કૌંભાંડ પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એકપછી એક આરોપીઓની ધરપકડનો દૌર આરંભ કરી રહી છે તેમાંય દાહોદના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોનીના આ મહા કૌંભાંડમાં આરોપીઓ તરીકે નામો જાહેર થતાં દાહોદ પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી અને બાદમાં ગતરોજ વડોદરા-હાલોલ હાઈવે પરથી નાના પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરી હતી. તેની સાથે સાથે દાહોદ પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ અને મનરેગા શાખા ધાનપુરના એપીઓ દિલીપ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ભાવેશ રાઠોડ, ધાનપુરના તત્કાલીન ટીડીઓ તેમજ હાલમાં જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતાં રસિક રાઠવા અને એન.જે. કન્ટ્રક્શનના પ્રોપરાઈટર પાર્થ બારી સહિત પાંચ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ગતરોજ પાર્થ બારીઆને દાહોદની કોર્ટમાં રજુ કરતાં તેના કોર્ટ દ્વારા ૦૭ દિવસોના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતાં ત્યારે આજરોજ બાકીના આરોપીઓ એટલે કે, કિરણ ખાબડ, રશિક રાઠવા અને દિલીપ ચૌહાણને દાહોદની કો્ર્ટમાં રજુ કરતાં જેમાં કિરણ ખાબડ અને રશિક રાઠવાના ચાર-ચાર દિવસોના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે જ્યારે દિલીપ ચૌહાણના ૧૦ દિવસોના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. આ સમગ્ર મનરેગા યોજના મહાકૌંભાંડમાં મંત્રી પુત્રોની પોલીસે ધરપકડ કરી લેતાં દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યના સત્તાધારી ભાજપ પક્ષમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. તો આવનાર દિવસોમાં આ પોલીસ રિમાન્ડની કામગીરીમાં અનેક ચહેરાઓ પણ પોલીસની પકડમાં આવશે તેવા એંધાણો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે





