વિકાસના નામે ખનીજ કૌભાંડ ? લુણાવા ગામમાં તળાવ ખોદકામ સામે ઉઠ્યા ગંભીર સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ–થરાદ પંથકના લુણાવા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી હવે વિવાદોના વંટોળમાં આવી છે. ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે કે “તળાવ વિકાસ”ના નામે ક્યાંક ખનીજ કૌભાંડ તો ચાલી રહ્યું નથી ને? ગામના કેટલાક જાગૃત નાગરિકોએ કામકાજની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આક્ષેપો મુજબ રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક લોકો દ્વારા મોટા પાયે કમિશનબાજી ચાલી રહી હોવાની ચર્ચાઓ ગરમાઈ છે. તળાવમાંથી નીકળતી માટી અને
ખનીજ સામગ્રીનો ઉપયોગ ગામના વિકાસકાર્યમાં થવાના બદલે ખાનગી પ્લોટોમાં ભરતી માટે કરવામાં આવી રહ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કામગીરી નિયમ મુજબ થઈ રહી હોય તો ખોદકામની મંજૂરી, રોયલ્ટી, ખનીજ વિભાગની પરવાનગી અને ટ્રેક્ટર–ડમ્પરોની અવરજવર અંગે જાહેર માહિતી કેમ આપવામાં આવતી નથી? સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે કેટલાક અધિકારીઓને આ આખું “ખનીજ કૌભાંડ” દેખાતું કેમ નથી?
લુણાવા ગામમાં માળી સમાજની વસ્તી વધુ પ્રમાણમાં વસે છે. ત્યારે કેટલાક લોકો પોતાના રાજકીય અને આર્થિક સ્વાર્થ માટે સમાજમાં ફૂટ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ગામના વડીલોનું માનવું છે કે સમાજને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ ગામની એકતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
એક તરફ સામાન્ય લોકો પાણી, રસ્તા અને રોજગાર જેવી મૂળભૂત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિકાસના નામે જો ખનીજ માફિયાગીરી અને કમિશનખોરી ચાલી રહી હોય તો તે ગંભીર તપાસનો વિષય બની શકે છે.
હવે ગ્રામજનો જિલ્લા ખનીજ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.
અંતે ગામમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે —
“તળાવ ખોદાઈ રહ્યું છે કે પછી ગામની એકતા અને સરકારી સંપત્તિ બંનેને ખોદવામાં આવી રહ્યા છે?”




