GUJARAT

થરાદ તાલુકાના ગામડાઓમાં દારૂની હાટડીઓ ધમધમી: નવા જિલ્લાની આશાઓ પર પાણી ફેરવાયું!

થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના ધંધાએ ફરી એકવાર માથું ઊંચક્યું હોવાનું સામે આવી રહ્યું છે. વાવ-થરાદ જિલ્લો અલગ બન્યા બાદ સ્થાનિક લોકોમાં આશા જાગી હતી કે હવે નવા અધિકારીઓ આવશે, કડક કાર્યવાહી થશે અને ગામડાઓમાં દારૂનું દુષણ બંધ થશે. પરંતુ હાલની સ્થિતિ જોતા લોકોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગામે ગામે ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડો ચાલુ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને થરાદ-ધાનેરા રોડ પર આવેલ રાહ ગામ દારૂના હબ તરીકે ઓળખાવા લાગ્યું હોય તેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. રોડની બન્ને બાજુ આવેલી કેટલીક દુકાનોમાં દારૂની હાટડીઓ ધમધમી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે, શું જવાબદાર તંત્રને આ બધું દેખાતું નથી? મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ જ તંત્ર હરકતમાં આવે છે તેવી ચર્ચાઓ પણ ગરમાઈ છે.

હવે જોવાનું રહ્યું કે, નવા જિલ્લાની નવી વ્યવસ્થામાં તંત્ર કડક પગલાં ભરી દારૂના ધંધાને કાબૂમાં લાવે છે કે પછી લોકોની આશાઓ આમ જ અધૂરી રહે છે.

Back to top button
error: Content is protected !!