MORBI:મોરબી મહાનગરપાલિકાની તવાઈ: 51 પેઢીઓમાં ફૂડ શાખાનું ચેકિંગ, વાસી ખોરાક અને પ્રતિબંધિત કલરનો નાશ કરાયો




MORBI:મોરબી મહાનગરપાલિકાની તવાઈ: 51 પેઢીઓમાં ફૂડ શાખાનું ચેકિંગ, વાસી ખોરાક અને પ્રતિબંધિત કલરનો નાશ કરાયો
મોરબી શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અન્વયે ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક સ્થળોએથી બિનઆરોગ્યપ્રદ ખોરાક ઝડપાતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.


મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારમાં આવેલી અંદાજે 51 જેટલી ખાદ્ય પદાર્થની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન લાઇસન્સની અનિયમિતતા, સ્વચ્છતાનો અભાવ, અખાધ્ય કલરનો ઉપયોગ અને વાસી ખોરાક રાખનારા એકમોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી.
મસાલા માર્કેટમાં રેપિડ ટેસ્ટિંગ આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર આવેલી મસાલા માર્કેટમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. ત્યાંથી મરચું, હળદર અને જીરું જેવા આશરે 10 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા અને મોબાઈલ લેબના માધ્યમથી સ્થળ પર જ તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન નીચે મુજબની પેઢીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા:પટેલ રાજા પાવભાજી: આરોગ્ય માટે હાનિકારક એવા વાસી નૂડલ્સ અને તૈયાર રાખેલી ગ્રેવીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.વિશ્વા સ્વીટ & નમકીન: મીઠાઈમાં વપરાતા પ્રતિબંધિત ફૂડ કલરનો જથ્થો પકડી પાડી તેનો નાશ કરાયો.ૐ સાઈ સ્વીટ ફાર્મ: અહીંથી મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ફૂડ કલર અને બગડી ગયેલી રબડી મળી આવતા તંત્ર દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો.મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ ખાણી-પીણીની લારીઓ, રેસ્ટોરન્ટ અને સ્વીટ માર્ટ્સમાં આ પ્રકારે ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે.




