Rajkot: અગ્નિશામક સાધનોના વેચાણમાં ગેરકાયદે માનક ચિહ્નનો ઉપયોગ કરતી એડવાન્સ માર્કેટિંગ અને શિવ ફાયર પેઢીના સાધનો જપ્ત કરતું ભારતીય માનક બ્યુરો
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતીય માનક બ્યુરો દ્વારા ગ્રાહકોના હિતના રક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે બી.આઈ.એસ રાજકોટ શાખાના અધિકારીઓ દ્વારા ગેરકાયદે માનક ચિહ્નનો ઉપયોગ કરીને અગ્નિશામક સાધનોનું વેચાણ કરતી એડવાન્સ માર્કેટીંગ અને શિવ ફાયર ઈન્જિનિયર્સ પેઢીને ત્યાં દરોડા પાડીને સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
બી.આઈ.એસ રાજકોટ શાખા તરફથી મળેલી માહિતી મુજબ, યોગી પાર્ક, જે.બી ગોડાઉન સામે માધાપર ખાતે આવેલી એડવાન્સ માર્કેટીંગ પેઢી અન્ય ઉત્પાદકોના લાયસન્સ નંબરનો દુરૂઉપયોગ કરીને ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડર, ફાયર હોઝ રીલ જેવા અગ્નિશામક સાધનોનું અને ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પરા પીપળીયા, જામનગર રોડ ઉપર આવેલી શિવ ફાયર ઈન્જિનિયર્સ પેઢી લેન્ડિંગ વાલ્વ, કપલિંગ, ડિલિવરી હોઝ, ફર્સ્ટ એઈડ હોઝ રીલ જેવા અગ્નિશામક સાધોનનું ગેરકાયદે વેચાણ કરી રહી હતી.
બી.આઈ.એસ. એ અધિનિયમ ૨૦૧૬ની કલમ ૧૭ના ભંગ હેઠળ અને કલમ ૨૯ની દંડનીય ગુના હેઠળ બંને પેઢી વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરી હતી. એડવાન્સ માર્કેટીંગ પેઢીના અંદાજે ૨૦ ફાયર એક્સટિંગ્વિશર અને અંદાજે ૧૯ ફાયર હોઝ રીલ, જ્યારે શિવ ફાયર ઈન્જિનિયર્સ પેઢીના ૧૫ નંગ લેન્ડિંગ વાલ્વ, ૧૨ નંગ નોઝલ, ૧૦ નંગ કપલિંગ, ૧૦ નંગ ડિલિવરી હોઝ અને ૮ નંગ ફર્સ્ટ એઈડ હોઝ રીલ સહિતના સાધનો જપ્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નકલી ઉત્પાદકો ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે અવૈધ રીતે માનક ચિહ્નનો ઉપયોગ કરે છે. આવા નકલી ઉત્પાદનો ગ્રાહકોની સુરક્ષા અને જીવન બંને માટે જોખમકારક છે. ત્યારે જાગૃત નાગરીક તરીકે ઉત્પાદન ખરીદતી વખતે પાકું બીલ અવશ્ય લેવું જોઈએ અને ઉત્પાદકની પુષ્ટિ કરવી જોઈએ. તેમજ ગ્રાહકો BIS CARE App દ્વારા આઈ.એસ.એ.આઈ ચિહ્ન વાળા ઉત્પાદનોના લાઈસન્સ નંબરને ચકાસી શકે છે. ઉપરાંત કોઈપણ પ્રકારના દુરૂપયોગ અથવા છેતરપીંડી થતી હોય તો માહિતી તુરંત બી.આઈ.એસ.ને આપવી જોઈએ. જેથી ગ્રાહકોના હિતનું રક્ષણ કરી શકાય.