ગોધરા ડિવિઝનમાં GUVNL વીજ ચેકિંગ ડ્રાઇવ: 134 સ્થળે ગેરરીતિ ઝડપાઈ, ₹37.33 લાખનો દંડ ફટકારાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
MGVCL ગોધરા વિભાગીય કચેરી ના શહેરા – 1, શહેરા – 2 અને ગોધરા ગ્રામ્ય પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) અને GUVNL દ્વારા સંયુક્તપણે વ્યાપક માસ વીજ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વીજ ચોરી અને ગેરરીતિના કુલ 134 કિસ્સાઓ ઝડપી પાડીને દોષિતોને રૂ. 37.33 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરીથી સમગ્ર પંથકના વીજ ચોરોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો હતો.
આ વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ માટે વીજ કંપની દ્વારા 39 જેટલી વિશિષ્ટ ટીમ બનાવીને 102 જેટલા કર્મચારીઓ તથા પોલીસ સુપરવિઝન હેઠળ આયોજનબદ્ધ રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવા માટે સુરક્ષા અધિકારીઓ, 2 એસ.આઈ., 3 એ.એસ.આઈ., 17 ભૂતપૂર્વ સૈનિકો તેમજ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ક્વોડના 15 જેટલા જવાનોનો કાફલો જેમાં 2 પી. આઈ., 8 એ.એસ.આઈ, 5 કોન્સ્ટેબલ સાથે રાખવામાં આવ્યા હતા. આ ટીમોએ શહેરા-1, શહેરા-2 અને ગોધરા ગ્રામ્ય સબ ડિવિઝનના વિવિધ 7 જેટલા ફીડરો અને તેને સંલગ્ન વિસ્તારોમાં એકસાથે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ટીમો દ્વારા કુલ 1,251 જેટલા વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં સેક્શન-135 (વીજ ચોરી) હેઠળ 129 કિસ્સા અને સેક્શન-126 (ગેરરીતિ) હેઠળ 5 કિસ્સા મળીને કુલ 134 સ્થળે વીજ ધાંધલી સામે આવી હતી. મુખ્યત્વે શહેરા-1 ના વાડી ફીડર વિસ્તારમાંથી રૂ. 8.95 લાખ (16 કેસ), ખોડિયા૨ ફીડરમાંથી રૂ. 5.45 લાખ (18 કેસ), મહાલક્ષ્મી ફીડરમાંથી રૂ. 4.72 લાખ (24 કેસ) તથા શહેરા-2 ના ખોજલવાસા ફીડરમાંથી રૂ. 5.28 લાખ (20 કેસ) નો આકારણી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરાડીયા, સાંપા અને વાંગરવા ફીડર હેઠળના વિસ્તારોમાંથી પણ હજારો રૂપિયાની વીજ ગેરરીતિ પકડાઈ હતી.
આ કામગીરી દરમિયાન વાડી, વલ્લવપુર, વક્તાપુરા, મોરવા, રેણાં, ધાયકા, અણીયાદ, મીઠાપુર, નરસાણા, કવાલી, નાડા, નાંદરવા, બોરીયાવી, વાઘજીપુર, ધામણોદ , કંકુથાંભલા, નસીરપુર અને મેહુલીયા સહિતના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં પણ વીજ ચોરી નાબૂદ કરવા અને પ્રામાણિક ગ્રાહકોના હિત રક્ષણ અર્થે આવી આકસ્મિક દરોડાની કાર્યવાહી વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.





