રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે મહેસાણામાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
સાંસદ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા,
દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.
જેમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર, નગરપાલિકા પ્રમુખશ્રી મિહિરભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ દોડ દૂધસાગર ડેરી ગેટ ખાતેથી રાધનપુર સર્કલ થઈને મોઢેરા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી.
આ દોડમાં પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલ ચૌધરી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પતંજલિ સંસ્થા, એસઆરપીએફ ગ્રુપ, સ્કાઉટ ગાઈડ એન.એસ.એસ. મહેસાણા, નેહરુ યુવા કેન્દ્ર, સ્પોર્ટ્સ ખેલાડી સ્પોર્ટ્સ ટ્રેનર તથા પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, હોમગાર્ડ્સ યુનીટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતા.






