GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. ૦૫ લાખના હીરા અને રૂ. ૦૧ લાખની રોકડ જેવો માતબર મુદ્દામાલ ઇજાગ્રસ્તના પરિવારને પરત કર્યો

તા.૬/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧૦૮ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે

Rajkot, Jetpur: ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મીઓ અવારનવાર નિષ્ઠાની અનોખી મિસાલ પુરી પાડતા હોય છે. ૧૦૮ હેલ્પલાઇનની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવા માટે પ્રખ્યાત છે અને ૧૦૮ યોજનાએ અમૂલ્ય સેવાથી ગુજરાતની પ્રજાના હ્રદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૦૮ યોજનાની અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. ત્યારે કર્મચારીઓની કાર્યનિષ્ઠાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જેતપુરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે રૂ. ૦૫ લાખના હીરા અને એક લાખ રોકડ રૂપિયા જેવો માતબર મુદ્દામાલ ઇજાગ્રસ્તને પરત કરીને ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આધુનિક સમયમાં પરિવારની સતત વધતી જતી જરૂરિયાતને પૂર્ણ કરવા માનવી પાસે તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. જેનાથી તે પરિવારનું ગુજરાન ચલાવવા મથતો હોય છે. જાતમહેનતથી કમાયેલા રૂપિયા કોઇ લઇ જાય તો પરિવાર પર તો ઉપર આભ અને નીચે જમીન જ વધે. પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, ‘કુદરતને ત્યાં દેર છે, પરંતુ અંધેર નથી’. મહેનત અને પરસેવાની કમાણી એમ એળે જતી નથી. કુદરત તેના રખોપાં કરે જ છે. આ કિસ્સામાં પણ કંઈક એવું જ બન્યું છે.

રાજકોટના ધંધાદારી યુવાનને ખાસિયત ગામ નજીક અકસ્માત નડતાં તેણે મોટર સાયકલ ઉપર કાબુ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ વાહન પરથી પડતાં યુવક બેભાન થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ જેતપુર ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનને થતાં ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઇ.એમ.ટી. શ્રી ઉર્વીશીબેન વિશાણી અને પાયલોટશ્રી દિવ્યેશભાઈ બારિયાએ તપાસ કરતાં વાહનચાલક બેભાન જણાયો હતો. તેમજ તેની બેગમાંથી રૂ. ૦૫ લાખના હીરા, રૂ. ૦૧ લાખની રોકડ અને મોબાઈલ મળી આવ્યાં હતાં. આટલી મોટી રકમ નજર સામે હોવા છતાં ઇ.એમ.આર.આઈ.ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ.

તેઓ બેભાન વાહનચાલક શ્રી ચેતનભાઈ ચૌહાણને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાર બાદ યુવકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં કર્મચારીઓએ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલા રૂ. ૦૫ લાખના હીરા, રોકડ અને ચીજવસ્તુઓ પરત કરી હતી.

આમે, ચોક્કસ કહી શકાય કે ૧૦૮ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે. જીવનમાં માનવતાના મૂ્લ્યોની મિસાલ ૧૦૮ની ટીમ પૂરી પાડી રહી છે. પોતાની ઈમાનદારીને ડગાવ્યા વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અધિકારીઓ સહિત ૧૦૮ સેવાના સ્ટાફે બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. ૧૦૮ હેલ્પલાઇનની અમૂલ્ય સેવા સાથે તેમના કર્મચારીઓની નિષ્ઠાને પણ સલામ છે.

Back to top button
error: Content is protected !!