JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા સંકલન બેઠક મળી

ધારાસભ્યો,જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૨૧, કલેકટરશ્રી રચિત રાજની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસૂલ, દબાણ, આરોગ્ય, રોડ રસ્તા, કૃષિલક્ષી વીજળી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા માટે જન પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે ચર્ચા-વિચારણા થઈ હતી .
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, ધારાસભ્યો જેમાં દેવાભાઈ માલામ, ભગવાનજીભાઈ કરગઠિયા, સંજયભાઈ કોરડીયા અરવિંદભાઈ લાડાણીએ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. તેના અનુસંધાને સંબંધિત વિભાગના અધિકારીઓએ પ્રત્યુત્તર પાઠવ્યા હતા.
સકારાત્મક વાતાવરણમાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ પડતર પ્રશ્નો ત્વરિત નિરાકરણ લાવવા, સકારાત્મક કાર્ય થયાની વિગતો લેખિતમાં ધારાસભ્યો સહિતના પદાધિકારીઓને પહોંચાડવા અને કામ પૂર્ણ થયાનો એટીઆર એટલે કે, એક્શન ટેકન રિપોર્ટ મોકલવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, સિંચાઈ, પાણી પુરવઠા, પીજીવીસીએલ સહિતના વિભાગોના પ્રશ્નો સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવાની સાથે વન્ય પ્રાણીઓ સાથે માનવીય સંઘર્ષ ટાળવા માટે વધુ પાંજરા મુકવા સહિતના પગલાં લેવા સૂચનાઓ આપી હતી.
માણાવદર ખાતે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે બાંધકામ શરૂ કરવા પણ સૂચનાઓ આપી હતી.
જૂનાગઢમાં નવાબીકાળની ઇમારતોના રખરખાવ માટે યોગ્ય નિર્દેશો આપવામાં આવ્યા હતા. સાથે ૧૫,માં નાણાપંચ હેઠળના થયેલા વિકાસ કામોનું ક્રોસ ચેકિંગ કરવા માટે પણ કલેક્ટરે દિશાનિર્દેશ આપ્યા હતાં.
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા, અતિક્રમણ દૂર કરવા અને ભવનાથ વિસ્તારમાં સાફ-સફાઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક જળવાઈ રહે સાથે હોસ્પિટલમાં સ્વચ્છતાના માપદંડોનું પાલન તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
જિલ્લામાં સરકારી શાળાના ઓરડાઓ ડિમોલિશન કરવા અને મંજુર થયેલ નવા મકાનોનું બાંધકામ શરૂ કરવા ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ અને નવા કેન્દ્રોના બાંધકામ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ વન સરક્ષણશ્રી અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણિયા, ડીઆરડીએના નિયામકશ્રી પી.જી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!