ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૪ સફાઈ કર્મચારીઓ અને પૂરની સ્થિતિમાં રાહત બચાવ કામગીરી કરનાર ૧૧ ફાયર જવાનોનું પ્રમાણપત્ર આપી સન્માન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિન ૧૫મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જે ભારતીય સ્વતંત્રતાના લાંબા સંઘર્ષની યાદ અપાવે છે. આ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મહાનગરપાલિકા કચેરી, આઝાદ ચોક ખાતે મેયર ધર્મેશ ડી. પોંશીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કમિશનર આઈ. આર. વાળા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, નાયબ કમિશનર ડી. જી. જાડેજા તથા જયેશભાઈ પી. વાજા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટરઓ ચંદ્રિકાબેન રાખસિયા, પુંજાભાઈ સિસોદિયા, સોનલબેન પનારા, પરાગભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વાઘેલા, વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, સેક્રેટરી કલ્પેશભાઈ જી. ટોલિયા, ચીફ ઓડીટર આર. આર. રાવલીયા, એસ.ટી.પી.ઓ. પી. ડી. ગાંધી, એમ.ઓ.એચ. ડૉ. રવિ ડેડાણીયા, અગ્રણી લીલાભાઈ પરમાર, પ્રવીણભાઈ અકબરી તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, ફાયર જવાનો, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મેયર ધર્મેશ ડી. પોંશીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં દેશના વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત આપણા રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્” ના ૧૫૦ ઐતિહાસિક વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સાથે જૂનાગઢ પણ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરનું આધુનિક ડેવલપમેન્ટ, ખામધ્રોળ અને જોશીપરામાં નવા પીએચસી સેન્ટર, દોલતપરા તેમજ ઝાંઝરડા રોડ પર અદ્યતન ફાયર સ્ટેશન, ખલીલપુર રોડ પર યોગ સ્ટુડિયો-જિમ અને નાના વેપારીઓ માટે ટીંબાવાડી ખાતે હોકર્સ ઝોન જેવી લોકઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવો, સૌ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત જૂનાગઢના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ. આ પ્રસંગે મહાનગરપાલિકાની સેનિટેશન શાખાના ૧૪ સફાઈ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા તેમજ મેંદરડા ખાતે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી કરવા બદલ ૧૧ ફાયર જવાનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.