ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી
ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા જુનાગઢ
જૂનાગઢ : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાની સાથે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રીએ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સમગ્ર મેળા વિસ્તારમાં કરવામાં આવતા મોનિટરિંગ વ્યવસ્થાહનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સમગ્ર મોનિટરિંગ વ્યવસ્થાઓની જાણકારી મેળવી હતી. તેમણે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.
આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સમગ્ર મેળા વિસ્તારમાં લગાવેલા ૭૮ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક નિયમન અને ભાવિકોની સુરક્ષા માટે શંકાસ્પદ ગતિવિધિ અટકાવવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ફરજરત પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સાથે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત સિનિયર પોલીસ અધિકારીને જરૂરી જાણકારી આપવામાં આવે છે, જેથી પોલીસ માટે ટ્રાફિક ડાયવર્ઝન સહિતના નિર્ણય લેવા સરળ બની રહે છે.
ગૃહ રાજ્ય મંત્રીને રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સમગ્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કાર્ય પદ્ધતિથી અવગત કર્યા હતા.