હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત
હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી, સુરક્ષાના કારણોસર અને કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સમાજની વાડી, બોર્ડિંગ હાઉસ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુઓ માટે રહેવાની સુવિધા ધરાવતા નિવાસ, ફાર્મ હાઉસ, રિસોર્ટ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ- વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો ઑનલાઇન ‘પથિક’ સોફ્ટવેરમાં નોંધણી કરવી ફરજિયાત રહેશે. ઉપરોક્ત તમામ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એસ.બારડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર આઇ.વી.એફ.આર.ટી. એટલે કે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ નામની ઓનલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હોટલના માલિક અને સંચાલકોએ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. તેનો રેકર્ડ પણ નિભાવવાનો રહેશે અને આ તમામ જાણકારી એસ.ઓ.જી. ઓફિસ,જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ www.indianfrro.gov.in/frro/Form C આ લિંક પર જઈને ફોર્મ સી માં દરરોજ આવતા મુસાફરોની માહિતી અપલોડ કરીને સેવ કરવાની રહેશે. આ માહિતીની પ્રિન્ટ આઉટ જે તે સંસ્થા કે હોટલના માલિક કે સંચાલકે સહી સિક્કા કરીને એક નકલ પોતાના રેકર્ડમાં રાખવી. બીજી આવી જ નકલ એસ.ઓ.જી. કચેરી, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. દરેક મુસાફર, યાત્રાળુ કે વિદેશી નાગરિકોના નકકર પુરાવા મેળવવાના રહેશે. લોકલ રેફરન્સ સિવાયના વિદેશી મુસાફરો કે અજાણ્યા લોકોના પ્રવાસ માટેનો શું ઉદ્દેશ્ય છે તે માહિતી ખાસ રીતે મેળવવાની રહેશે. આ ઉપરાંત આ તમામ માહિતી https://pathik.guru/ આમાં પણ નોંધણી કરાવવી જરૂરી રહેશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથી ગૃહ, વિશ્રામગૃહ, સમાજ વાડી, બોર્ડિંગ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા નિવાસ, ફાર્મ હાઉસ, રિસોર્ટ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં હોટેલના માલિક અથવા સંચાલકે અવશ્ય કરવાની રહેશે. આ અંગેના નિયમો અનુસરવાના રહેશે. આ જાહેરનામુ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૭/૦૮/૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ BNS-૨૦૨૩ની કલમ-૨૨૩ મજબ અંતર્ગત સજાને પાત્ર થશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





