AHAVADANG

ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે નવ કોઝવેકમ પુલો પાણીમાં ગરક થતા 12 ગામો પ્રભાવિત થયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરનાં પગલે નીચાણવાળા નવ જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 12થી વધુ ગામો પ્રભાવિત થયા..
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં લિંગા ગામે નદીનાં પુરમાં એક પાડો તણાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગત રાત્રિથી આજરોજ દિવસ દરમ્યાન સાર્વત્રિક મેઘમહેર નોંધાતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી ઘોડાપૂર હાલતમાં જોવા મળી છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકો તેમજ ઉપરવાસનાં પંથકોમાં ગતરોજ રાત્રીનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા જિલ્લાની લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા રોદ્ર સ્વરૂપ ધારણ કરી બન્ને કાંઠે થઈ વહેતી થઈ છે.ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં વધુ વરસાદનાં પગલે અંબિકા અને ગીરા નદી ગાંડીતુર બનતા વઘઇનો ગીરાધોધ,ગિરમાળનો ગીરાધોધ સહીત નાના મોટા જળધોધ પૂર્ણ લાઈમાં આવી સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી માહોલની સાથે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. સાપુતારા ખાતે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણનાં પગલે પ્રવાસી વાહનોને હેડલાઈટ અને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લામાં ગતરોજ રાત્રીનાં અરસાથી વરસાદી જોર વધતા સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.ગુરુવારે ડાંગ જિલ્લામાં વધુ વરસાદનાં પગલે વઘઇ તાલુકાનાં (1) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (2) આંબાપાડા વી.એ.રોડ, (3) ખાતળ ફાટકથી ધોડી રોડ, (4) ખાતળ-માછળી રોડ, (5) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-1, અને માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-2 (6) પાતળી-ગોદડિયા રોડ, (7) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ તથા (8) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ ઓવર ટોપિંગને કારણે બંધ થવા પામ્યા છે.ડાંગ જિલ્લામાં નદીઓ ગાંડીતુર બનતા 9 જેટલા કોઝવેકમ પુલો પાણીમાં ગરક થઈ જતા 12 થી વધુ ગામડાઓમાં જિલ્લાનાં વહીવટી મથકથી વિખુટા પડી સંપર્કવિહોણા બન્યા હતા.જેના પગલે આ ગામોનું જનજીવન સહિત પશુપાલન પ્રભાવિત થયુ હતુ.જેથી ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોને આ માર્ગોનો ઉપયોગ ન કરતા, સૂચવેલ વૈકલ્પિક માર્ગના ઉપયોગ માટે અપીલ કરવામાં આવી છે.ડાંગ જિલ્લામાં વરસાદને કારણે ડાંગના નદી, નાળા અને કોતરોમાં વરસાદી પાણી વધતા આહવા તાલુકાના લિંગા ગામના પશુપાલક રમેશભાઈ માહરુભાઈ પવારની માલિકીનો એક પાડો તા.27ની  સવારે 6 થી 6:30 ના સમયગાળા દરમિયાન પાણીમાં તણાઈ જતા તેનુ મૃત્યુ થવા પામેલ છે.હાલમાં જિલ્લા વહીવટી તંત્ર હેઠવાસના જિલ્લાઓ સાથે સંપર્ક સેતુ જાળવી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.ડાંગ જિલ્લા કલેકટર  મહેશ પટેલ સ્વયં જિલ્લાની સ્થિતિ ઉપર સતત નજર રાખી, તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 47 મિમી અર્થાત 1.88 ઈંચ, વઘઇ પંથકમાં 91 મિમી અર્થાત 3.64 ઈંચ, સુબિર પંથકમાં 99 મિમી અર્થાત 3.96 ઈંચ, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 109 મિમી અર્થાત 4.36 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!